• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં 13 વર્ષ બાદ જામશે નેશનલ ટીટીનો જંગ

ગાંધીધામ, તા. 21 : ગુજરાત ટેબલ ટેનિસ એસોસિયેશનને આગામી 87મી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજનની ફાળવણી કરવામાં આવી છે.  ગાંધીધામમાં  વર્ષ 2013માં  નેશનલ ટીટી રમાઈ હતી. હવે  13  વર્ષ પછી રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો જંગ જામશે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા આગામી 23થી 31મી માર્ચ સુધી ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. જીએસટીટીએ અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 5,11,200  ઇનામી રકમ  રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ રમાશે અને તેના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ  રહેશે  તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહયોગ મળી રહેશે. સ્ટિગા ગ્લોબલ તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર રહેશે. કેડીટીટીએ દેશનું એવું એક માત્ર  એસોસિયેશન છે, જેની પાસે પોતાનું સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ છે. આ ચેમ્પિયનશિપ માટે દેશભરમાંથી એક હજાર કરતાં વધારે યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ ગાંધીધામ આવશે. 12 કેટેગરીમાં સ્પર્ધા થશે. આ કેટેગરીમાં સબ જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપ, સબ જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ, સબ જુનિયર 15), બોયઝ અને ગર્લ્સ ડબલ્સ, સબ જુનિયર (અંડર-13)  બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ, સબ જુનિયર (અંડર-13) બોયઝ અને ગર્લ્સ ડબલ્સ અને કેડેટ (અંડર-11) બોયઝ અને ગર્લ્સ સિંગલ્સનો સમાવેશ થાય છે.  જીએસટીટીએના સેક્રેટરી  હરિ પિલ્લાઈએ જણાવ્યું હતું કે, આયોજકો આ ટૂર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી 1200 કરતાં વધારે ખેલાડી ભાગ લે તેવી આશા રાખી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ મોટા પાયે યોજાશે અને બંને જીએસટીટીએ તથા કેડીટીટીએ શક્ય તેટલી સર્વશ્રેષ્ઠ સુવિધાઓ  પૂરી પાડવા કટિબદ્ધ હોવાનું કહ્યું હતું. આ ટૂર્નામેન્ટનું યોગ્ય પ્લેટફોર્મ પર પ્રસારણ કરાશે  તેવું તેમણે ઉમેર્યું હતું. 

Panchang

dd