• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

આજે ભારત અને દ. આફ્રિકા વચ્ચે સુપર-8 મુકાબલો

અમદાવાદ, તા. 21 : આઇસીસી ટી-20 વિશ્વકપ 2026 હવે એવા વળાંકે પહોંચી ગયો છે જ્યાં ભૂલની સંભાવના હવે જોખમી છે. લીગ મુકાબલામાં વિજય અભિયાન જાળવી રાખ્યા બાદ ટીમ ઇન્ડિયા સુપર-8માં ઊતરવા માટે તૈયાર છે. સુપર-8ના પહેલા જ મુકાબલામાં સામનો આવતીકાલે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. જેને હરાવીને ભારતે 2024માં વિશ્વ વિજેતાનો તાજ પહેર્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થનારો મુકાબલો માત્ર એક મેચ નહીં પણ દક્ષિણ આફ્રિકા માટે દુ:ખદ યાદગીરી તાજી કરવા જેવો બની શકે છે. ટી-20 વિશ્વકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બન્ને ટીમનાં પ્રદર્શન ઉપર નજર કરવામાં આવે તો બન્ને ટીમે 4-4 મેચ જીતી  છે. જો કે નેટ રન રેટ મામલે ભારત દક્ષિણ આફ્રિકા કરતા આગળ છે. ટોપ-5 રન ક્રોરમાં દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન એડન માર્ક્રમ ચોથા સ્થાને છે. જેણે 178 રન કર્યા છે જ્યારે ઈશાન કિશન 176 રન સાથે પાંચમા સ્થાને છે. બન્નેમાં માત્ર બે રનનો ફરક છે. ટોપ-5 વિકેટ કિપરમાં વરુણ ચક્રવર્તી નવ વિકેટ સાથે બીજા સ્થાને છે જ્યારે દક્ષિણ આફ્રિકાનો કોઈપણ બોલર ટોપ-5મા સામેલ નથી. હેડ ટુ હેડ જોવામાં આવે તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ 31 મેચ રમાઇ છે. જેમાં ભારતે 18 અને દક્ષિણ આફ્રિકાએ 12 મેચમાં જીત મેળવી છે. ટી-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાએ 272 મેચ રમી છે. જેમાંથી 183માં જીત મળી છે. ભારતની જીતની ટકાવારી 71.78 છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા બે વખત ટી-20 વિશ્વકપ જીતી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાએ કુલ 221 ટી-20 મેચમાંથી 119માં જીત મેળવી છે અને તેની ટકાવારી 55.50 છે.  એડન માર્ક્રમની ટીમે લીગ સ્ટેજમાં અમદાવાદમાં બે મેચ જીતી છે. કેનેડાને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાની ટીમ મેદાનને સારી રીતે જાણે છે. જો કે ભારતે પણ ગત મેચ આ જ મેદાનમાં જીતી હતી. સંભાવના છે કે સતત આઉટ ફોર્મ ચાલી રહેલા અભિષેક શર્માની જગ્યાએ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવશે.  

Panchang

dd