• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કચ્છને ત્રેવડી ભેટ; જય હો નર્મદામૈયા !

વિકસિત ગુજરાતની પરિકલ્પનામાં કચ્છની ભૂમિકા ખરેખર અગત્યની હોવાનું અનુમોદન વર્ષ 2026-27 માટેના અંદાજપત્રમાં જોવા મળ્યું છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કચ્છ માટે ઉચ્ચ શિક્ષણ, માળખાંકીય સુવિધા, સિંચાઇ અને પ્રવાસન ક્ષેત્રે બૂસ્ટર ડોઝ આપ્યો છે. વિશેષ કરીને ઉચ્ચ શિક્ષણ કોઇ પણ ક્ષેત્રના વિકાસની પાયાની જરૂરિયાત છે અને એ માટે ત્રેવડી ભેટ મળી છે. માંડવી તાલુકાના ગઢશીશામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી સાથેની સરકારી કોલેજની જાહેરાતથી આ વિસ્તારની શિક્ષણભૂખ સંતોષાશે. અહીં લાંબા અરસાથી કોલેજની માગણી હતી અને કચ્છ યુનિવર્સિટીએ બે વર્ષથી એક્સટેન્શન સેન્ટર શરૂ કર્યું હતું, પણ હવે પૂર્ણ કદની કોલેજ ઉપલબ્ધ થતાં ગઢશીશા પંથકના છાત્રો વિશેષ કરીને કન્યાઓ ઉજજ્વળ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે. અંજારમાં પોલીટેકનિક કોલેજ ઉપરાંત કૃષિ કોલેજ (સિનુગ્રા) બનવા જઇ રહી છે. ગુજરાત સરકારમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરતા ત્રિકમભાઇ છાંગા અને અન્ય જનપ્રતિનિધિઓની રજૂઆતનું આ પરિણામ કહી શકાય. અંજાર ઔદ્યોગિક ઝોનમાં આવેલું નગર છે. પોલીટેકનિકથી યુવાનો માટે સ્થાનિકે રોજગારીની પાત્રતા બનશે અને એકમોને પણ ટેકનિકલ સ્કિલ્ડ કર્મચારીઓ મળી રહેશે તેમ કૃષિ કોલેજ સિનુગ્રાને મળતાં કચ્છની જૂની માંગ સંતોષાઇ છે. કચ્છ જળસમૃદ્ધ બનવા જઇ રહ્યું છે ત્યારે કૃષિ કોલેજ મળવી નિર્ણાયક કદમ છે. એ સિવાય કચ્છને નર્મદાનાં વધારાનાં પાણી અને નર્મદા યોજના માટે પણ ગંજાવર ફાળવણી થઇ છે. નર્મદાનાં કામો આમ તો ગુજરાતમાં મહદ્અંશે પૂર્ણતાએ પહોંચ્યા છે. કચ્છ સુધી સિંચાઇનાં નીર 2017માં પહોંચ્યાં એ પછી ચોમાસામાં ઓવરફલોનાં પાણીથી તમામ જળાશયો ભરવાની ઉપરાંત છેવાડાના દુર્ગમ ક્ષેત્રો સુધી પાઇપલાઇન વાટે નર્મદા જળ પહોંચાડવાની યોજનાનાં કામો હવે નિર્ણાયક ગતિ પકડશે. વધારાનાં પાણીની યોજના માટે 1333 કરોડ સૌથી મોટી રકમ છે, તો દુધઈ સબ બ્રાન્ચ કેનાલનાં કામો માટે પણ 2230 કરોડની જોગવાઈનો ઉલ્લેખ ધ્યાન ખેંચે છે. કચ્છમાં માળખાંકીય સુવિધાપ્રવાસન વિકાસ અને પર્યાવરણ જતનની ચિંતા બજેટમાં વર્તાય છે. આ સીમાવર્તી જિલ્લા ઉપરાંત રાજ્યમાં વધતી જતી કુદરતી આફતોના સામના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માળખું સુદૃઢ બનાવવા 1855 કરોડનું આયોજન ધરપત આપનારું છે. કચ્છમાં પક્ષી અભયારણ્ય છારીઢંઢ રામસર સાઈટ જાહેર થયા પછીનો એ સ્થળનો સંલગ્ન વિકાસ થવો જરૂરી છે. રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે વીજ લાઈનોને અન્ડરગ્રાઉન્ડ પાથરવા માટે વિશેષ ફાળવણી કરી છે. કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા બની ગયા પછી ભુજ મહાનગર જાહેર થવાની વાટ જોઈ રહ્યું છે. એ અંગે બજેટમાં નિરાશા મળી છે. એકંદરે બજેટમાં કચ્છ માટે થયેલી જોગવાઈઓને આવકારવાની સાથે આશા રાખીએ કે નવી યોજનાઓનો અમલ ઝડપભેર થશે. 

Panchang

dd