નવી દિલ્હી, તા. 21 : રાજધાની દિલ્હી
સહિત સમગ્ર દેશનાં મંદિરો પર નિશાન સાધવાનું નાપાક કાવતરું પાકિસ્તાન સ્થિત આતંકવાદી
સંગઠન લશ્કર-એ-તોયબા ઘડી રહ્યું હોવાના વાવડ મળ્યા છે. તોયબા દેશનાં ધાર્મિક- ઐતિહાસિક
સ્થળો પર હુમલા કરી શકે છે, તેવી ગુપ્તચર
બાતમી બાદ રાજધાનીમાં લાલ કિલ્લા, ચાંદની ચોક સહિત સ્થળોની સુરક્ષા
વધારી દેવાઈ હતી. દેશભરનાં મોટાં શહેરોમાં મોટાં મંદિરો પર હુમલાની બાતમી બાદ વ્યાપક
એલર્ટ જારી કરી દેવાયું હતું. ગુપ્તચર અહેવાલો અનુસાર, તોયબાનો
ઈરાદો ભીડવાળા ભરચક વિસ્તારો, ધાર્મિક સ્થળો પર નિશાન સાધી સાંપ્રદાયિક
તાણ ફેલાવવાનો છે. ઈસ્લામાબાદની એક મસ્જિદમાં છ ફેબ્રુઆરીના થયેલા ધડાકાનો બદલો લેવાના
ઈરાદે કારસો ઘડાતો હોવાનું ગુપ્તચર તંત્રો કહે છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી હતી
કે, દેશભરનાં ખાસ મંદિર તોયબાના નિશાન બની શકે છે. સુરક્ષા એજન્સીઓએ
લોકોને સતર્ક રહેવા અને કોઈપણ સંદિગ્ધ વસ્તુ મળે કે ગતિવિધિ નજરે ચડે તો તરત પોલીસને
જાણ કરવા અપીલ કરી હતી.