• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

એઆઈને માનવીય બનાવવાની વડાપ્રધાનની યોગ્ય હિમાયત

વિશ્વમાં કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર બન્નેમાં ચાવીરૂપ સ્થાન ધરાવતા ભારત અને ભારતીયો હવે આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં માનવતા અને સંસ્કૃતિના સમન્વય સાથે વિકાસ સાધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવતર મંત્ર આપ્યો છે.  ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં સંબોધન કરતાં વડાપ્રધાને  મનવતાવાદી, પારદર્શક અને સહયોગી વિકાસને આવરી લેતા માનવનાં વિઝનને દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે ટેક્નોલોજી પર એકાધિકારનો અંત આણવાની સાથોસાથ વૈશ્વિક ધોરણો નક્કી કરવા અને ઓપન કોડ રાખવાની ખાસ હિમાયત પણ કરી હતી. ભારતીયો માટે યુપીઆઈ જેવી નાણાકીય વ્યવહારોની સરળ ટેક્નોલોજીનું ઉદાહરણ આપીને વડાપ્રધાને ભારતની એઆઈની ક્ષમતા અને વૈશ્વિક નેતૃત્વની ક્ષમતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.  મોદીએ ટેક્નોલોજીમાં જે રીતે માનવ અભિગમની હિમાયત કરી છે તે આજના સમયમાં ભારે યથાર્થ છે.  નવી ટેક્નોલોજીના ઉપયોગ વખતે સૌથી વધુ જોખમ માનવતાને નેવે મુકાવાનું બની રહેતું હોય છે.  વળી એઆઈના વિકાસની અને નવતર ઉમેરાની ઝડપ એટલી બધી વધુ છે કે તેમાં માનવીય સ્પંદનોના અભાવનું સતત જોખમ રહે છે. સાથોસાથ દુનિયામાં આવી ચાવીરૂપ ટેક્નોલોજી પર અમુક દેશોનો એકાધિકાર અન્ય દેશો અને વપરાશકારો માટે નકારાત્મક બની રહેતો હોય છે.  ભારતે આવા એકાધિકારનો અંત આણવાની જે હિમાયત કરી છે તેનું પણ મહત્ત્વ છે. વડાપ્રધાને આગ્રહ કર્યો હતો કે, અમુક દેશ ટેક્નોલોજીની ઉપર પોતાનો અધિકાર રાખીને બાકીનાને માત્ર વપરાશકાર પૂરતા મર્યાદિત રાખવાની માનસિક્તા ધરાવે છે. એઆઈના કોડને સર્વે માટે ઉપલબ્ધ કરાવીને આ ટેકનોલોજીની પહોંચને સરળ બનાવવાની ભારતે હિમાયત કરી છે.  આમ થાય તો એઆઈનાં માધ્યમથી વિકસિત અને વિકસતા દેશો વચ્ચેની ખાઈને પૂરવામાં મદદ મળી શકે એવી આશા ફળિભૂત થાય. સાથોસાથ દરેક ટેક્નોલોજીના દુરુપયોગના પડકારની જેમ એઆઈના વાંધાજનક ઉપયોગને રોકવામાં વિશ્વ સ્તરે ડિજિટલ નિયમોને ઘડી કાઢીને તેનાં અમલીકરણની પણ વડાપ્રધાન મોદીએ હિમાયત કરી હતી. આ એઆઈ ઈમ્પેક્ટ સમિટ વાટે ભારતે દુનિયાને પોતાની એઆઈ ક્ષમતાનો પરિચય કરાવી આપ્યો છે.  અદાણી અને રિલાયન્ય જેવા ઉદ્યોગગૃહોએ આ ક્ષેત્રમાં મોટા રોકાણ સાથે હરણફાળ ભરવાની પ્રતીતિ દેશ અન દુનિયાને કરાવી આપી છે. વડાપ્રધાને તેમનાં સંબોધનમાં ભારતની  યુપીઆઈ  ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું ઉદાહરણ આપીને આ માધ્મયમાં મજબૂત હાજરીની વાત કરી હતી.  ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ પણ યુપીઆઈની પ્રસંશા કરીને સૂર પુરાવ્યો હતો. આમ સરવાળે આ સમિટમાં મોદીએ એઆઈના સંદર્ભમાં જવાબદારી અને વિઝનની જે વાત કરી તે આખી દુનિયાને માટે અનિવાર્ય છે.  આગળ જતાં આ મંત્ર કેવો મૂર્તિમંત થાય છે તેના પર બધો આધાર રહેશે.  બાકી ભારતની એઆઈ ક્ષમતાની પણ આ સમિટમાં દુનિયાને પ્રતીતિ થઈ છે.   

Panchang

dd