• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપરથી 300થી વધુ દબાણ દૂર કરાયાં

ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ-આદિપુરને જોડતા અને શહેરના હાર્દ સમાન મનાતા ટાગોર રોડ ઉપર વ્યાપક દબાણોનાં કારણે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હતી અને અકસ્માતના બનાવો વધી રહ્યા હતા. લાંબા સમય પછી આ માર્ગ ઉપર રિસર્ફાસિંગની કામગીરી કરવાની થતાં મહાનગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગે દબાણ ઉપર કાર્યવાહી કરીને 300થી વધુ અતિક્રમણ દૂર કર્યાં છે. હવે ફરીથી આ રોડ ઉપર દબાણ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ગાંધીધામ-આદિપુરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.  અત્યાર સુધીમાં 2500થી વધુ દબાણો મનપાએ હટાવી નાખ્યાં છે, પણ ટાગોર રોડ ઉપર ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાઈ રહી હતી અને જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા હતા તેમ છતાં દબાણો ઉપર  માર્ગ અને મકાન વિભાગ દ્વારા  કાર્યવાહી નામે શૂન્યાવકાશ હતો. પણ 26 કરોડના ખર્ચે આ માર્ગ ઉપર રિસર્ફાસિંગની કામગીરી કરવાની થતી હોવાથી ટાગોર રોડનાં નડતરરૂપ દબાણોને નોટિસો આપવામાં આવી હતી અને ત્યાર પછી તેની સમયમર્યાદા પૂર્ણ થતાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી તેમજ દબાણ સખાનો સ્ટાફ અને માર્ગ અને મકાન વિભાગના પ્રવીણ મારવાડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ બે જેસીબી અને બે ટ્રેક્ટર સાથે સવારે ટાગોર રોડ ઉપર પહોંચ્યા હતા.  દબાણો ઉપર કાર્યવાહી કરીને સાંજ સુધીમાં 300થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. અગાઉ પણ ટાગોર રોડ ઉપર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી કરી હતી. આજે મહાનગરપાલિકાના એક જેસીબી અને એક ટ્રેક્ટર તથા માર્ગ અને મકાન વિભાગના એક જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરી સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાના સહયોગ વગર માર્ગ અને મકાન વિભાગ દબાણો ઉપર કાર્યવાહી કરી શકે તેવા કોઈ એંધાણ દેખાતા ન હતા. અગાઉ નગરપાલિકાની મદદ લેવાતી હતી અને હાલ મનપાની મદદ લેવાઈ રહી છે.  પરંતુ માર્ગ ઉપર રિસર્ફાસિંગની કામગીરી થયા બાદ ફરીથી દબાણ ન થાય તે બાબતે તંત્ર સક્રિય રહે તે જરૂરી છે. આ રોડ ઉપર દબાણોનાં કારણે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ રહી હતી અને ગંભીર અકસ્માતોના પણ બનાવો બની રહ્યા હતા. 

Panchang

dd