• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

મુંદરાની બાકી મિલકતો સિટી સર્વે રેકર્ડમાં લાવવા વેગ

મુંદરા, તા. 21 : અહીં મુંદરા-બારોઇ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2026-27ના રૂા. 59.55 કરોડના અંદાજિત ખર્ચવાળા મુસદ્દા અંદાજપત્રને બહાલી અપાઈ હતી. આ સાથે અગાઉ ગ્રામ પંચાયત અને નગર પંચાયતના સમયથી રહેલી અને નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ હજુ સુધી સિટી સર્વે રેકર્ડમાં ન ચડેલી મિલકતોને આ રેકર્ડ પર ચઢાવવા માટે યાદી પાઠવીને કાર્યવાહી કરવા ઠરાવાયું હતું તેમજ છેલ્લાં ત્રણ વર્ષથી જેમ શહેરીજનો પરનો 10 ટકા વાર્ષિક વેરાવધારો લાગુ નથી કરાતો એમ જ આગામી વર્ષે પણ વધારો ન થાય તેવી સરકારને દરખાસ્ત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીંના રોટરી હોલ ખાતે સવારે નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ગત સભાઓની મિનિટ, હિસાબો, સર્ક્યુલર-ઠરાવો તેમજ વર્ષ 2026 - 27નાં અંદાજપત્રને સર્વાનુમતે બહાલી અપાઇ હતી. આ ઉપરાંત પાવાપુરી ચોકડીથી બારોઈ રોડ સુધી સીસી રોડનાં કામમાં જરૂરી ખાસ ગ્રાન્ટ ફાળવવાઅમૃત 2.0 યોજના હેઠળની પાણી યોજનામાં કામ પૂર્ણતા પર છે,  ટેસ્ટિંગ જારી છે ત્યારે યોજના નગરપાલિકાને હસ્તગત કરવાજિલ્લા આયોજન કચેરીની વિવેકાધીન ગ્રાન્ટ 25 લાખને બદલે વધીને 50 લાખ માટે દરેક વોર્ડ દ્વારા આયોજન આપવા15મા નાણાપંચ યોજના અન્વયે મળતી ગ્રાન્ટનું દરેક વોર્ડનું આયોજન આપવા ઠરાવાયું હતું.  આ સિવાય જેરામસર તળાવ આસપાસ વોકિંગ ટ્રેક બનેલો છે અને રજૂઆત સંદર્ભે અધ્યક્ષાએ જણાવ્યું કે, પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહીને બે તુફાન અને પાંચ રિક્ષાની કાયમી ધોરણે નહીં પણ મર્યાદિત જગ્યા રોટેશન મુજબ રહેશે.   આ સિવાય અરજી વાંચનમાં નગરસેવક જાવેદ રફીક પઠાણે વિકાસનાં આયોજનમાં વોર્ડ નંબર એકમાં બાળકો માટે બગીચો બનાવી આપવા, જેરામસર તળાવ પાસે વર્ષોથી ઊભતા રિક્ષાચાલકોને કાયમી સ્ટેન્ડ ફાળવવા રજૂઆત કરી હતી, જ્યારે અન્ય સદસ્ય નિમિતાબેન ભરત પાતારિયાએ મુંદરા મહેશ્વરી સમાજની ધાર્મિક જાગીર ગુડથર મતિયાદેવ મંદિરના ચોકમાં સુધરાઈ દ્વારા પેવરબ્લોકનું કામ કરી આપવા તેમજ આ મંદિરના ગેટ પાસે જમણી તરફ જીઈબી રોડ પર આવેલી સરકારી ખરાબાની પડતર જમીનને મહેશ્વરી સમાજનાં નામે મંજૂર કરવા માટે જરૂરી એનઓસી આપવા રજૂઆત કરી હતી, જેના પ્રતિભાવમાં આવી અરજી સમાજ પ્રમુખ દ્વારા પણ આવી હોવાની નોંધ લેવા સાથે આ દિશામાં યોગ્ય હકારાત્મક પગલાંની ખાતરી અપાઈ હતી. સભામાં ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, ઉપપ્રમુખ જીતુભાઈ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક દિલીપ ગોર, પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર સહિત શાશક-વિપક્ષના નગરસેવકો, શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલ, મહામંત્રી હિરેન સાવલા, વિપક્ષી ઉપનેતા કાનજીભાઈ સોંધરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભાના આરંભે પૂર્ણ વંદે માતરમ્નું નગરસેવક ઉર્મિલાબેન ગઢવી દ્વારા ગાન કરાયું હતું. - મુંદરાને મળ્યા કાયમી ચીફ ઓફિસર; જર્જરિત ઈમારતનો મુદ્દો ઊઠયો : મુંદરા, તા.  21 : અહીં આજે સામાન્ય સભા સાથે શહેરની જર્જરિત ઇમારતો, કંપની દ્વારા નિયમિત ઘાસચારો મળવા જેવા મુદ્દા પણ ઊઠયા હતા. આ સાથે લાંબા સમયથી રાહ જોવાતી હતી એ શહેરને કાયમી ચીફ ઓફિસર મળતાં આવકાર અપાયો હતો. મુંદરા નગરપાલિકામાં બઢતી પામીને નવા નવનિયુક્ત થયેલા ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસને નગરઅધ્યક્ષા દ્વારા આવકાર અને શુભેચ્છા પાઠવાયા હતા. શ્રી વ્યાસ આ પહેલાં ગાંધીધામ સર્કલ અધિકારી તેમજ છેલ્લે ભુજ કલેક્ટર કચેરીમાં અપીલ શાખામાં અધિકારી રહી ચૂક્યા હતા. હવે તેમને બઢતી સાથે મુંદરામાં કાયમી સીઓની નિમણૂક અપાઈ છે.  દરમિયાન, મુંદરામાં ભાટિયા ચોક વિસ્તારમાં જર્જરિત અને જોખમી બનતી ઈમારતોને દૂર કરવા સંબંધિત તંત્રો દ્વારા પગલાં લેવાય તેવી માગણી પણ ઊઠી હતી. આ ઉપરાંત પૂર્વ અને પ્રથમ નગરપતિ  કિશોરાસિંહ પરમારે એવી લાગણી દર્શાવી હતી કે, નજીકના વિકસિત અદાણી પોર્ટના સહયોગથી મુંદરા, બારોઈ તેમજ ગોયરસમા જેવાં ગામોમાં ગાયો માટે નિયમિત ઘાસચારો મળે તેવી વ્યવસ્થા થાય.  

Panchang

dd