• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

અકાદમી એવોર્ડમાં કચ્છના લેખકોનો દબદબો

ભુજ, તા. 21 : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024ના સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરવાનો સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ફોરેન્સિક સાયન્સ યુનિ., ગાંધીનગર ખાતે માતૃભાષા દિનની પૂર્વ સંધ્યાએ યોજાયો હતો. ગૌરવ પુરસ્કાર મેળવનાર ચાર કલમકાર પૈકી ત્રણ કચ્છના લેખક હતા. વિવિધ વિભાગોમાં પારિતોષિક  મેળવનાર લેખકોમાં કચ્છના ચાર સર્જકનો દબદબો વર્તાયો હતો. કચ્છી સાહિત્ય ગૌરવ પુરસ્કાર માવજી મહેશ્વરીને અને યુવા ગૌરવ પુરસ્કાર અજય સોનીને અને કચ્છી યુવા ગૌરવ પુરસ્કાર દીપક નંદાને અર્પણ થયો હતો. વિવિધ વિભાગોમાં પારિતોષિક એનાયત થયા તેમાં ટૂંકી વાર્તામાં અજય સોનીનું પુસ્તક `તળેટીનું અંધારું' પુરસ્કૃત થયું. સંશોધન-ભાષાવ્યાકરણ કેટેગરીમાં સંજય પી. ઠાકરનું `કચ્છની વિસ્મૃત વિરાસત સેલોર-વાવ' અને સુશીલા વાઘમશીનું પુસ્તક `ટૂંકી વાર્તામાં વસ્તુસંકલનનું આયોજન' સન્માનિત થયું હતું. મૂળ ભુજના અને ધોળકા કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા નિયતિ અંતાણીનું પુસ્તક `કૃતિનિનાદ' વિવેચન વિભાગમાં પારિતોષિકને પાત્ર ઠર્યું હતું. રમતગમત, યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ડો. જયરામ ગામિત, જાણીતા સાક્ષર માધવ રામાનુજ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને મહામાત્ર ડો. જયેન્દ્રાસિંહ જાદવના હસ્તે પારિતોષિક અર્પણ થયા હતા. અકાદમી સહાયથી એક સાથે 51 પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.   

Panchang

dd