• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ઉપેક્ષા ને અપેક્ષા વચ્ચે પીસાતી માતૃભાષા...

તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : `હું  માતૃભાષા... મીઠી મધુરી... મારી સુંદર અભિવ્યક્તિ, લાગણીશીલ, ભાવનાશીલ... ધારું તો રંગબેરંગી પતંગિયા જેવી... ચુલબુલી બાળકીએ ખરી અને સૌંદર્યવાન નવયૌવના પણ હું જ... ક્યારેક પીંછાં જેવી હળવીફૂલ ને કોઇ વીંઝે તો ચાબુક કે હથોડોએ બની જાઉં છું... સંકટ છે જબરું આજે... નાનાં બાળકો મને ઓળખતા નથી... અરે મોં બગાડીને કહે છે... ઓહ મોમ, વોટ ઇઝ ધીસ... કોઇ બાળકાવ્યો ગાતું નથી... દાદી બની ગયા છે ગ્રાંડમધર... કાઉ... ડોગી... કેટ... ટાઇગર... સ્પેરો...ના ગણ ઝીંકાય છે... મારાં અસ્તિત્વ ઉપર... ડર લાગે છે, આ મારા છેલ્લા શ્વાસ છે...? કોઇએ કહ્યું... બધા પ્રશ્નો ઉકેલી આપે છે એઆઇ... કૃત્રિમ બુદ્ધિમતા સમક્ષ ખોળો પાથરીને હું પણ બોલી મદદ કરો... ને જવાબ મળ્યો... હેલ્પલેસ... એ વળી શું ?... પછી કોઈએ સમજાવ્યું કે ભાષાને બચાવી શકે એવી જડીબુટ્ટી દરેક ઘરમાં છે, મા-બાપ પાસે ને પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે છે... પણ નિયત હોવી જોઈએ...' વિશ્વ માતૃભાષા દિવસ ટાંકણે ચર્ચા ને ચિંતા ઘણી થશે... જેણે સમાજ અને સંસ્કૃતિને પોષી... સંસ્કારનું સિંચન કર્યું એવી મા(ભાષા)નાં મનમાં આજે કેવો વલોપાત હશે ? એ વિચાર કર્યો ને ઉપરની મનોસ્થિતિ સ્ફૂરી... પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે... મહાનગરોમાં અંગ્રેજીથી અંજાયેલી પેઢીની અસર શહેરોમાં ને ગામ સુધી પહોંચી છે. મા... આઇ... બા... બાપુજી... એ બધું સાઠે નાઠયું જેવો તાલ છે. ડેડી... પોપ... ને મોમ... છવાઇ ગયા છે. ભાષાશાત્રીઓ કહે છે કે, બાળકોને ગળથૂથીમાં પીસાતી માતૃભાષા... માતૃભાષા મળવી જોઇએઁ... દરેક માધ્યમની શાળામાં ગુજરાતી શિક્ષણ તો હોવું ને હોવું જ જોઇએઁ... અંગ્રેજી શાળાઓની સંખ્યા નિયંત્રિત કેમ ન થાય ? મૂળ વાત છે ભાષાગૌરવની. અંગ્રેજી અતિ જરૂરી છે... નિ:સંદેહ. એ કારકિર્દીનું માધ્યમ બની શકે... પણ ગુજરાતી આવડવું જ જોઈએ, ગુજરાતી બોલતાં શરમ કાં આવે ? પ. બંગાળમાં બંગાળી ચાલે છે, દક્ષિણી રાજ્યોમાં એમની ભાષાનું ઝનૂન હિંસક સ્તરે છે. (ભલે કારણ રાજનૈતિક હોય). ફ્રાન્સમાં બધા ફ્રેન્ચ બોલે, ઇંગ્લેન્ડમાં અંગ્રેજી, નેધરલેન્ડમાં ડચ, આફ્રિકામાં સ્વાઇલી... તો આપણે હિન્દી માટે કાં ઘૂમટો તાણીએ છીએ ? ગુજરાતી ભાષાના સાધક ડો. દર્શના ધોળકિયાએ ચિંતામાં સહભાગી થતાં જે વાત કરી એ ઉચાટ વધારનારી છે... આજે કોલેજમાં ભાષા મુખ્ય વિષય તરીકે ભણતા છાત્રો પાસે શબ્દભંડોળ જ નથી... તિમિર, મોંસૂઝણું... મળસકું... બેજીવી... આવા શબ્દો આવે તો મોં વકાસીને પૂછે છે... એટલે શું ? હકીકતમાં ઘરમાં માહોલ બચ્યો નથી ને પ્રાથમિક શિક્ષકો અતિ નબળા થઇ ગયા છે. વ્યાકરણ સાથે પર્યાય ભણ્યા જ નથી... સૂરજનાં 15 નામ છે, ચંદ્રનાં અનેક નામો... કોણ જાણે છે ? બાળસાહિત્યનો પ્રચાર-પ્રસાર થવો જોઈએ. બકોર પટેલ, છકો મકો, મિયાં ફૂસકીને કોઇ જાણતું નથી.... પંચતંત્રની વાતોમાં કલાકો વીતાવવાની ઉંમરે બાળકો ટીવી ક્રીન પર ડોરેમોન ને સિંચેનના આદતી થઇ ગયા છે. હવે સફાળા જાગી જવાની જરૂર છે. ભાષા ફરજિયાત બનાવવા માટે સૌએ કમર કસવી પડશે. ગુજરાતી ઘરમાં બાળકો માતૃભાષા વાંચી-લખી કે બોલી ન શકે, પણ અંગ્રેજી જ જાણે છે એવું ગૌરવ અનુભવતા માતા-પિતા સમાજના ગુર્જરધરાનો દ્રોહ કરી રહ્યા છે. ગુજરાતી ભાષાને જીવંત રાખવાની શરૂઆત આપણા ઘરમાંથી જ થઈ શકે... શાળાના ખંડમાંથી જ સંવર્ધિત થઈ શકશે, એટલું યાદ રાખવું પડે. વિશ્વ માતૃભાષા દિવસે ભાષાના દેવપુરુષ જેવા સર્વે સર્જકોને વંદન. 

Panchang

dd