પલ્લેકેલે, તા. 21 : ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સુપર-8માં પહોંચ્યું છે પણ તેણે અપેક્ષિત પ્રદર્શન
કર્યું નથી. તેવામાં રવિવારે પલ્લેકલેમાં થનારી સુપર-8 મેચમાં શ્રીલંકા સામે ઈંગ્લેન્ડ દમદાર પ્રદર્શન
કરવા ઈચ્છશે. વર્તમાન આઈસીસી ટુર્નામેન્ટથી પહેલાં રમાયેલી ત્રણ મેચની ટી20 શ્રેણીમાં ઈંગ્લેન્ડે યજમાન
શ્રીલંકાને ક્લીન સ્વીપ કરી હતી. આ પ્રદર્શનથી ઈંગ્લેન્ડની ટીમ પ્રેરણા લેવા ઈચ્છશે.
ઈંગ્લેન્ડને ગ્રુપ સ્ટેજના મેચમાં એસોસિએટ દેશો સામે જીત માટે સંઘર્ષ કરવો પડયો હતો
અને પુર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સામે હાર મળી હતી. સહ મેજબાન શ્રીલંકાએ આયર્લેન્ડ
અને ઓમાન ઉપર જીત સાથે શરૂઆત કરી હતી. તેણે
ઓસ્ટ્રેલિયા સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને આઠ વિકેટે હરાવ્યું હતું. જો કે ગુરૂવારે
કોલંબોમાં પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઝિમ્બાબ્વે સામે હાર બાદ શ્રીલંકાની લય બગડી છે.
સુપર-8 મુકાબલો બન્ને ટીમ માટે એક નવી શરૂઆત બનશે.
જેમાં શ્રીલંકા ઘરેલુ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. તો બીજી તરફ ઈંગ્લેન્ડ
શ્રીલંકા સામે પહેલાનું પ્રદર્શન દોહરાવવા માટે મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડે લીગ સ્ટેજના
તમામ મુકાબલા ભારતમાં રમ્યા છે અને હવે શ્રીલંકામાં પરત ફરીને ખુશ થશે.