• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ખનિજચોરી : ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત

ભુજ, તા. 21 : આજે પશ્ચિમ કચ્છ ખાણ-ખનિજ વિભાગે ખાવડા-ધ્રોબાણા રોડ પર તવાઈ બોલાવીને 11 ડમ્પર સામે કડક કાર્યવાહી કરી ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કચ્છના પેટાળમાં કિંમતી ખનિજો ધરબાયેલી છે, ત્યારે તેને ગેરકાયદેસર રીતે ઉલેચવાનો વેપલો ખનિજ માફિયાઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહ્યો છે. સમયાંતરે આવી ખનિજચોરી પર કાર્યવાહી પણ થતી હોય છે. ગઈકાલે પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગે ભુજ તાલુકાના મોડસર, કોટાય અને ખાવડામાં કાર્યવાહી કરીને આવી ખનિજ પેદાશોનું ઓવરલોડ કરતાં 10 ડમ્પરને જપ્ત કર્યાં હતાં. આ કડક રૂખ આજે પણ બરકરાર રહ્યો હતો અને ખાવડા-ધ્રોબાણા માર્ગેથી પાસ પરમીટ કરતાં વધુ ખનિજ પરિવહન કરતાં 11 ડમ્પર સામે કાર્યવાહી કરી ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કચ્છ કલેક્ટર આનંદ પટેલની સૂચનાના પગલે પશ્ચિમ કચ્છ ખાણ-ખનિજ વિભાગના દેવેન્દ્રસિંહ બારિયાની ટીમે સપાટો બોલાવી માટી, મોરમ, લાઈમસ્ટોન અને બ્લેકટ્રેપના પાસ પરમીટ કરતાં વધુ પરિવહન બદલ કડક કાર્યવાહી કરાઈ હતી. આમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર જિગર ઠક્કર, ખુશાલી ગરવા, માઈન્સ સુપરવાઈઝર આશિષ પટેલ, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારિયા, સર્વેયર જિતેન્દ્ર પંડયા અને સોયબ રાયમા જોડાયા હતા. ખનિજ વિભાગની આવી સતત કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.  

Panchang

dd