• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

નખત્રાણા : ત્રણ લાખના બદલામાં 9.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

ભુજ, તા. 21 : ગેરકાયદે વ્યાજખોરીના વિષચક્રમાં સપડાઈને અનેક જિંદગી બરબાદ થઈ ચૂકીના દાખલા છે. પોલીસ પણ સમયાંતરે આ વ્યાજખોરીને લઈ ખાસ લોકદરબાર યોજી કાર્યવાહી કરતી રહે છે, પરંતુ આ વિષચક્ર હજુએ સક્રિય છે. નખત્રાણાના યુવાને માસિક 10 ટકા વ્યાજે લીધેલા ત્રણ લાખના બદલામાં 9.80 લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી થતી હતી અને તેણે પોતાની દુકાન 30 લાખમાં આ જ આરોપીને વેચી છતાં નાણાં ન મળ્યાં. આ વ્યાજખોરી અંગે આજે નખત્રાણા પોલીસ મથકે ગામના યુવાન વેપારી જિજ્ઞેશ અરવિંદભાઈ રુડાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે ગત તા. 1/3/2025ના આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા તગજી સોઢા (રહે. ખાનાય, તા. અબડાસા) પાસેથી રૂા. ત્રણ લાખ 10 ટકાના માસિક વ્યાજથી લીધા હતા અને બાદમાં દર મહિના 30 હજાર વ્યાજ તે આપતા હતા. ટુકડે ટુકડે રોકડ તથા ગૂગલ-પે મારફત કુલે રૂા. 9.80 લાખ ચૂકવી દીધા હતા. વ્યાજની તારીખથી એક દિવસ પણ વધી જાય તો દરેક દિવસનો વ્યાજ ડબલ કરી નાખતો. ધંધામાં ઓછી આવકના લીધે વ્યાજ ન અપાતાં વ્યાજની રકમ 10 લાખ ઉપર કરીને મૂડી તથા વ્યાજ 13 લાખની ઉઘરાણી અવાર-નવાર ગાળા-ગાળી સાથે કરતો હતો અને માણસોને લઈ આવી મારકૂટ કરી ધમકાવ્યો હતો. ડરાવી - ધમકાવીને ફરિયાદીનાં માથાં ઉપર બંદૂક રાખીને દુકાનના વેચાણ દસ્તાવેજ કરવા દબાણ કર્યું હતું. આથી 29/9/25ના 30 લાખમાં દુકાનનો દસ્તાવેજ અન્ય આરોપી અનિલસિંહ વિરમજી જાડેજા (રહે. બિબ્બર, તા. નખત્રાણા)નાં નામે કરાવ્યો હતો. દસ્તાવેજમાં 15 લાખના ચેકના ઉલ્લેખ છે જે હજુ સુધી ફરિયાદીને મળ્યો નથી અને બાકીના 15 લાખ પણ મળ્યા નથી. આમ બળવંતસિંહ ઉર્ફે બળુભા અને અનિલસિંહ વિરુદ્ધ નખત્રાણા પોલીસે ગેરકાયદે નાણાં ધીરધાર સહિતની વિવિધ કલમો તળો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd