ભુજ, તા. 21 : કચ્છમાં દિવસે ગરમી અને રાત્રે
સામાન્ય ઠંડીવાળું વિષમ વાતાવરણ યથાવત્ રહ્યું છે. છેલ્લા બે દિવસથી ઊંચકાયેલા મહત્તમ
તાપમાનનાં કારણે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં તાપનો પ્રભાવ વધ્યો છે. ભુજમાં મહત્તમ
પારો ઊંચકાઇને 35.3 ડિગ્રીએ પહોંચતાં મધ્યાહ્ન
સમયે ઉલ્લેખનીય ગરમીનો અનુભવ થયો હતો. નલિયામાં 34.8, કંડલા પોર્ટમાં 34.5 અને અંજાર-ગાંધીધામમાં 34.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. લઘુતમ તાપમાન 15થી 20 ડિગ્રીની વચ્ચે રહેતાં વાતાવરણમાં વિષમતા જળવાયેલી રહી હતી.
રાજ્યમાં ભુજ સહિતના 9 શહેરમાં મહત્તમ
પારો 35 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.
હવામાન વિભાગે મહત્તમ તાપમાનમાં ફેરબદલની સંભાવનાને નકારી છે, જ્યારે
લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી છે. મિશ્ર હવામાનનાં
પગલે શરદી-ઉધરસ અને પેટને લગતા વાયરલ રોગોનું પ્રમાણ વધી ગયું છે.