• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

જો જો ક્યાંક નોકરીની લાહ્યમાં વિદેશની જેલમાં બંધક ન બનવું પડે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : જેમ સોશિયલ મીડિયામાં ફ્રોડ મેસેજથી બેંક ખાતામાંથી પરબારા રૂપિયા નીકળી જાય છે, તેમ વિદેશ જવાની તગડી જાહેરાતોની લપેટમાં આવીને વિદેશમાં નોકરીના બદલે જેલમાં બંધક બનવું પડતું હોવાનો કિસ્સો નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના યુવાન સાથે બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત જાણે એમ છે કે નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના યુસુફ આધમ કુંભાર નામના યુવકે રૂપિયા ભરી પાસપોર્ટ, વિઝા સાથે સાઉદી અરેબિયા નોકરી અર્થે ગયો. ત્યાં ત્રણ મહિના ડ્રાઇવિંગ કરી પણ ત્રણ મહિના સુધી પગાર ન મળ્યો. અહીં કચ્છમાં પરિવાર પૈસાના હિસાબે સંકટમાં પડયો. પગાર ન મળતાં કંપની સાથે રકઝક થઇ અને અંતે કંપનીએ તેને જેલમાં પૂરાવી નાખ્યો. આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવારને પડી ત્યારે પગ નીચે ધરતી ખસવા લાગી. અંતે સાંસદ વિનોદભાઇ ચાવડાના પ્રયાસોથી આ યુવાનને સાઉદી જેલમાંથી મુક્તિ મળી ત્યારે આ પરિવાર હર્ષના આંસુએ રોયો. ચિંતામાં ગરકાવ યુસુફ કુંભારના પરિવારે વાત સુખપર રોહા ગામના સરપંચ વિક્રમભાઇ ગરવા, મોહનભાઇ ચાવડા, આદમભાઇ લોહાર, આદમભાઇ કુંભાર, રમજુભાઇ રાયમા વિગેરેની સાથે ચર્ચા કરી આ ઘટનાની. ઉપરોક્ત તમામ અગ્રણીઓએ ભેગા થઇને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. સાંસદ વિનોદભાઇ એક પળનો વિલંબ કર્યા વિના તરત જ યુવકને જેલમાંથી છોડાવી કચ્છ હેમખેમ કેમ પહોંચે તે માટે કાર્યવાહી રૂપે ઇન્ડિયન એમ.સી. સાઉદીના દૂતાવાસ કચેરીએ ભલામણ મોકલી અને જરૂરી ડોક્યુમેન્ટ પૂર્ણ કરાવ્યા. આખરે સાંસદની મહેનત રંગ લાવી અને ત્યાંની જેલના નિયમ મુજબ દંડ ભરી કુંભાર યુસુફને જેલમાંથી મુક્તિ મળી અને પાસપોર્ટ પણ પરત મળ્યો. વિદેશી કંપનીઓ ભલે બધી બોગસ નથી હોતી પણ છેતરામણીવાળી કંપનીઓમાં ભરતી થતાં પહેલાં સો વાર ચકાસણી કરવી જરૂરી છે અને સુખપર-રોહાનો આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. 

Panchang

dd