• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ભીરંડિયારા પાસે બે ટ્રેઈલરની ટક્કરમાં એક ચાલકનું મોત

ભુજ/ગાંધીધામ, તા. 21 : ભુજ તાલુકાના ભીરંડિયારા ટોલગેટથી આગળ રાત્રે બે ટ્રેઈલરની ટક્કરમાં એક ટ્રેઈલર ચાલક ફિરોજ સૈફુદ્દીન અંસારી (રહે. વિહાર)નું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું. બીજી તરફ ભચાઉ-ગાંધીધામ માર્ગ ઉપર અજાણ્યાં વાહનની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કલ્લુકુમાર રામુ ચૌહાણ (ઉ.વ. 18)નું મૃત્યુ થયું હતું. ધોરડો પોલીસ મથકે આજે મૃતક ફિરોઝના ભાઈ સોનુએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 21/2ના અડધી રાત્રે તેનો ભાઈ ફિરોજ તેના કબજાનો ટ્રેઈલર નં. જીજે-39-ટી-4824વાળું ખાવડાથી લઈ આવી રહ્યો હતો અને ભીરંડિયારા ટોલગેટથી બે કિ.મી. આગળ ભુજ તરફ પહોંચતાં સામેથી ખાવડા બાજુ પુરપાટ આવતાં ટ્રેઈલર નં. જીજે-39-ટી-9933વાળાં સાથે અકસ્માત થતાં ગંભીર ઈજાના પગલે ફિરોજને ખાવડાની સરકારી હોસ્પિટલ ખસેડાતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ધોરડો પોલીસે ફરિયાદના આધારે ટ્રેઈલરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગાંધીધામની ખાનગી કંપનીમાં છેલ્લા બેથી ત્રણ મહિનાથી  મજૂરી કામ કરતા  આ યુવાન એપલ આર્કેડની સામે કટ પાસે રસ્તો ઓળંગી રહ્યા  હતા. દરમ્યાન અજાણ્યાં વાહનને તેમણે ટક્કર મારતાં તેમને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતા. અકસ્માતનો આ બનાવ ગત તા. 19/2ના રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ અંગે દામોદર રામજીવન પ્રસાદની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd