• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

કામણગારા કચ્છડાની કમાલની વાતો...

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : કચ્છને અનહદ ચાહનારી વ્યક્તિને કચ્છથી દૂર રહેવાની ફરજ પડે ત્યારે વતન પ્રત્યેની ચાહના ગુણોત્તરમાં વધી જાય છે. વહાલું વતન... મારી માતૃભૂમિ... મારી કચ્છભૂમિ એવું કહેતાં થાકતા નથી. મધુભાઇ ભટ્ટ આવી જ વ્યક્તિ, કચ્છપ્રેમમાં ગળાડૂબ. આ લખનાર 1988-89માં કચ્છમિત્રમાં તાલીમી પત્રકાર તરીકે જોડાયા એ પછી સમયાંતરે પરિચયની સાંકળમાં અનેકવિધ કડી ઉમેરાતી ગઇ... એમાં એક નામ મધુભાઇનું. ગાંધીનગરમાં સચિવાલયમાં ફરજ બજાવતા મધુભાઇ કચ્છ સાથે લગાતાર સંપર્કમાં, સુરેશભાઇ મહેતા એ સમયે ગુજરાતના વરિષ્ઠ મંત્રી, મુખ્યમંત્રીએ થયા. કચ્છનો ત્યારે સચિવાલય અને વિધાનસભામાં ડંકો વાગતો. મધુભાઇના લેખ આવતા રહેતા. કીર્તિભાઇ એ સમયે તંત્રી પદે... આ લખનારે લાંબો સમય રિપોર્ટિંગ અને ડેસ્ક કામગીરી ઉપરાંત પૂર્તિની જવાબદારીએ સંભાળી હતી. મધુભાઇના સુઘડ અક્ષર અને લેખન આજે પણ નજર સમક્ષ આવે. સ્મૃતિવનમાં લટાર મારવાનું નિમિત્ત પૂરું પાડયું છે એ પુસ્તકોએ. મુંજી માતૃભૂમિ કે નમન દ્વિતીય આવૃત્તિ અને લાખેણા માડુ કચ્છજા... જ્યોતિષભાઇ ભટ્ટે પ્રસ્તાવનામાં પિતા મધુભાઇની ભાવના ટાંકી છે... `હું આજે જે કંઇ છું તેમાં કચ્છમાં થયેલા સંસ્કાર સિંચન અને ઘડતરનું પ્રદાન વિશેષ છે.' મધુભાઇ ભટ્ટનું નામ કચ્છ વર્તુળમાં અજાણ્યું નથી. કચ્છમાં જન્મ, અભ્યાસ, ઉછેર થયો. કચ્છ જ્યારે કેન્દ્રશાસિત- સી સ્ટેટ - હતું ત્યારે સચિવાલયમાં કારકિર્દીની શરૂઆત થઇ... એ પછી બૃહદ મુંબઇ સેક્રેટરીએટ, માંડવી તાલુકા પંચાયત, રાજકોટ વિકાસ કમિશનર કચેરી, ત્યાંથી દાહોદ, જૂનાગઢ, ફરી ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવી. એ દરમ્યાન કચ્છ સાથે આત્મીયતાથી જોડાયેલા રહ્યા. મધુભાઇએ કચ્છની જૂની પેઢીના દિગ્ગજ રાજકારણીઓ કાંતિપ્રસાદ અંતાણી, પ્રેમજી ભવાનજી ઠક્કર, તુલસીદાસ શેઠ, જેઠમલ મડૈયારથી લઇને સુરેશ મહેતા સુધી સક્રિય રહ્યા. એટલે કચ્છને જાણવાનો, કચ્છના પ્રશ્નો પિછાણવાનો, તેના ઉકેલ વિશે સૂચવવાનો મહાવરો કેળવાયો. લેખકે પુસ્તકમાં કચ્છના જુદા-જુદા રંગો વર્ણવ્યા છે એમાંની કેટલીક ચૂંટેલી વિગતોના રૂપમાં પુસ્તકનું આચમન લઇએ. - શિક્ષણની લગની - કવિઓને શિક્ષણ આપવા કચ્છમાં ધોરણસરની પાઠશાળા હતી વૃજભાષા પાઠશાળા. કવિ દલપતરામ કચ્છમાં રહી ગયા હતા. ભુજમાં પાટવાડી નાકે સંસ્કૃત શિક્ષણ માટે યુનિવર્સિટીને શોભે એવી ઇમારતમાં નાનીબા સાહેબ સંસ્કૃત પાઠશાળા હતી, છાત્રાલયની સુવિધા સાથે. એ જમાનામાં બેટદ્વારકાથી, સૌરાષ્ટ્રથી અને ઉત્તર ગુજરાતથી સંસ્કૃતનું શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ ભુજ આવતા. - કચ્છીઓનું સ્થળાંતર - કચ્છ સૂકી ખેતીનો વિસ્તાર છે. માનવધન કરતાં દોઢગણી પશુધનની વસ્તી છે. કચ્છમાં ભૌગોલિક રીતે `હોમોજીયસ' (એકસમાન) વિસ્તારો એકથી વધુ તાલુકામાં પથરાયેલા છે, જેમાં બન્ની, વાગડ, પ્રાંથળ, ગરડો, મિયાણીપટ્ટ, કંઠીપટ્ટ પણ અભ્યાસની દૃષ્ટિએ વિશિષ્ટ છે. વાહનવ્યવહારની ઓછી સુવિધા, સૂકી ખેતી, વિશાળ દરિયાકાંઠાના લીધે કચ્છીઓ સ્થળાંતર કરી ગયા છે. કુદરતે બક્ષેલી ખડતલપણાની વૃત્તિના કારણે કચ્છીઓ જ્યાં સ્થાયી થયા છે ત્યાં તેમની જમાવટ હોય છે. - વન્ય જીવન -કચ્છના રાજવીઓએ શિકાર શોખ માટે આફ્રિકાનાં જંગલોમાંથી આયાત કરેલા ચિત્તા ડુંગરાળ રખાલોની વચ્ચે હતા, પરંતુ જાનમાલનો નાશ કરતા તેથી ચિત્તા-સૂવર સત્યાગ્રહ થયો. ક્રમે ક્રમે ચિત્તાની વસ્તી નામશેષ થઇ છે. કચ્છમાં પક્ષીની 179 જેટલી જાતો છે, તેમ 1878માં પોલિન નામના પક્ષીવિદ્ પાસે કચ્છ  રાજ્યે કરાવેલો  અભ્યાસ જણાવે છે. - ભૌગોલિક રચના -કચ્છમાં ડુંગરાઓની ત્રણ ધાર છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર. ઉત્તરમાં ખાવડા, ખડીર અને પ્રાંથળ, પૂર્વે રણપ્રદેશમાં કાળો ડુંગર, ખાવડામાં ખડીરમાં ખડિયો, પ્રાંથળમાં નીલવો, મોખાણિયો, રાએમલરો, ભંજડો વગેરે... મધ્ય ધારમાં ધીણોધર, ઝારો, વારાળ, હબાય, ઝુરણ, બેલાડી, કાંસવો, કીરો વગેરે, દક્ષિણ ધારમાં નનામો, ધ્રબવો, લકી, ચાડવા અને ખાત્રોડ, વાગડમાં કંથકોટ સ્વતંત્ર હોવાનું જણાય છે. કચ્છમાં ઊંચામાં ઊંચો પહાડ કાળો ડુંગર 1525 ફૂટ છે. - ધાર્મિક સદ્ભાવ - સમગ્ર ભારતમાં કદાચ કચ્છ જ એવો પ્રદેશ છે જ્યાં સર્વધર્મ સમભાવના ભાવના ભારોભાર છે. દેશના ભાગલા સમયે પણ સમગ્ર રાષ્ટ્રમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા ત્યારે કચ્છમાં સંપૂર્ણ શાંતિ હતી. કચ્છના ધાર્મિક ક્ષેત્રોમાં વૈવિધ્ય છે, બૌધ, ખ્રિસ્તી, ઇસ્લામ, નાયસિદ્ધ, જૈન, શૈવ, શક્તિ, પારસી, શીખ એ બધા ધર્મોનું કચ્છમાં ઉદારતાપૂર્વક સ્વાગત કરાયું છે. કચ્છનું સાંસ્કૃતિક જીવન પણ કોમી એખલાસની ભારોભાર લાગણીવાળું છે. સુલેમાન જુમા કચ્છના શાન તરીકે ખ્યાતિ પામ્યા, કચ્છની લંઘા કોમે કચ્છમાં સંગીતના વિકાસમાં અદ્વિતીય પ્રદાન કર્યું છે. - લેઉવા પટેલો : બળદિયાના લેઉવા પટેલ હોય કે પછી પટેલ ચોવીસીના લેઉવા પટેલ હોય, તેમનો `સંપ' અને ગામની તથા કોમની એકતા એટલી બધી ગાઢ કે તેઓ જે કંઇ વિચારે કે નિર્ણય લે તેમાં સર્વાનુમતિ જ હોય. આથી જ રાજકારણીઓ ચૂંટણી ટાણે ચોવીસીનાં ગામોની વસ્તી પર મોટો મદાર રાખી બેઠા હોય છે. - રણમાં ખીલ્યું ગુલાબ : સુકાંભઠ્ઠ રણમાં કદી ગુલાબ ઊગી શકે ખરું ? પ્રકૃતિ-કુદરતી સંજોગો સામે કચ્છીઓનો સંઘર્ષ, સ્થળાંતર લાચારીથી જોનાર જવાંમર્દોને વિચાર આવ્યો કે, કચ્છને દુર્દશામાંથી બચાવવું હોય તો કુદરત સામે યુદ્ધ છેડયા સિવાય કોઇ વિકલ્પ નથી. વિપરીત પરિસ્થિતિ વચ્ચે કચ્છને નંદનવન બનાવવાના વિચાર અને નિર્ધારમાંથી એક સંસ્થા જન્મી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (વીઆરટીઆઇ). શ્રોફ પરિવારે જાણે ગ્રામ વિકાસની આહલેક જગાવી. `મુંજી માતૃભામિ કે નમન'ની બીજી આવૃત્તિમાં આવી અનેક રસાળ- વિગતો વર્ણન, માહિતી ભરી પડી છે. પ્રકાશક જ્યોતિષભાઇ નોંધે છે, તેમના પિતા મધુભાઇ અક્ષરદેહે શાશ્વત રહે, તેમની  કચ્છ પ્રીતિ અને કચ્છ માટે આજીવન કરેલા પરિશ્રમનું પરિણામ આવનારી પેઢીઓ સુધી પહોંચે એવી ભાવના સાથે આ પુસ્તક રજૂ કર્યું છે. 

Panchang

dd