ગાંધીધામ, તા. 21 : દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા
મેજર પોર્ટ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ આયોજિત ઓલ ઈન્ડિયા શટલ બેડમિન્ટન
ટૂર્નામેન્ટનું સમાપન થયું હતું. આ ચાર દિવસીય
ટૂર્નામેન્ટ દરમ્યાન આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના મેજર પોર્ટના ખેલાડીઓ વચ્ચે રોચક જંગ જામ્યો હતો. વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત
કરાયા હતા. સમાપન સમારોહમાં સંબોધન કરતા ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘે જણાવ્યું હતું
કે, આપની ખુશી એ અમારી સફળતા છે. ખેલ એ હારજીતની રમત નથી, પરંતુ
મનુષ્યને વિશાળ દિલ અને હકારાત્મક ભાવના અને મૈત્રી ભાવના વિકાસવવાનું ઉચિત માધ્યમ છે. ડેપ્યુટી
ચેરમેન નીલાંભ્ર દાસગુપ્તા, સી.વી.ઓ. જે.કે. રાઠોડ, સેક્રેટરી વાય.કે. સિંહ, ચીફ એન્જિનીયર રવીન્દ્ર રેડ્ડી,
મુખ્ય આરોગ્ય અધિકારી અનિલ ચેલાણી, ઓ.એસ.ડી.સી. હરીચંદ્રન સહિતના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા
હતા. ટૂર્નામેન્ટમાં વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. મોર્મુગાઓ
અને વી.ઓ.સી. પોર્ટસે વેટરન્સ મહિલા 45 વર્ષથી વધુના વયજૂથની
શ્રેણીમાં વિજય મેળવ્યો, જ્યારે
વિશાખાપટ્ટનમ પોર્ટે વેટરન્સ પુરુષોની 45થી વધુ વયજૂથના વિભાગમાં સિંગલ્સ અને ડબલ્સમાં ટાઇટલ જીત્યું
હતું. જે.એન.પી.ટી. પોર્ટે
વેટરન્સ પુરુષોના સિંગલ્સ અને ડબલ્સ ટાઇટલ જીત્યા અને ચેન્નાઈ પોર્ટે વેટરન્સ
શ્રેણીમાં મિક્સ ડબલ્સ જીત્યા, જેમાં
પારાદીપ પોર્ટે પણ મિક્સ ડબલ્સ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ઓપન શ્રેણીમાં
પારાદીપ અને ચેન્નાઈ પોર્ટે અનુક્રમે મહિલા સિંગલ્સ અને ડબલ્સ ટાઇટલ જીત્યા હતા, જ્યારે કોચિન પોર્ટે પુરુષોની ઓપન
શ્રેણીમાં સ્વીપ કર્યું હતું. વેટરન્સ ટીમ ચેમ્પિયનશિપ વિશાખાપટ્ટનમ પોર્ટ, મહિલા ટીમ ચેમ્પિયનશિપ
પારાદીપ પોર્ટ અને પુરુષોની ટીમ ચેમ્પિયનશિપ ચેન્નાઈ પોર્ટ ઓથોરિટી વિજેતા બની હતી.
ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના રાષ્ટ્રીય રેફરીઓની ટીમના નેતૃત્વ હેઠળ ટૂર્નામેન્ટનું
સંચાલન કરવામાં આવ્યું હતું, ચીફ રેફરી તરીકે વિનોદ શાહે સેવા આપી હતી. સમાપન સમારોહ દરમ્યાન આ વર્ષે નિવૃત્ત થતા ખેલાડીઓનું
વિશેષ સન્માન કરાયું હતું. વિવિધ મહાંબદરોથી આવેલા ખેલાડીઓએ ડીપીએ પ્રશાસનની
વ્યવસ્થાને બિરદાવી હતી. ખેલાડીઓએ પોતાના ઘરઆંગણે
રમવા આવ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ અને દેશના નંબર વન
પોર્ટની મુલાકાત લઈને ઘણું જાણવા મળ્યું હોવાની લાગણી ખેલાડીઓએ વ્યક્ત કરી હતી. સંચાલન કમલ આસનાની અને સીમા મોહને કર્યું હતું. આયોજનને સફળ બનાવવા સેક્રેટરી, પર્સનલ ઓફિસર રવિ
મહેશ્વરી, ઉપ પર્સનલ
અધિકારી એ.બી. પ્રધાન અને ડીપીએ પરિવાર સહયોગી બન્યો હતો.