નવી દિલ્હી, તા.21 : બ્રાઝિલનાં
રાષ્ટ્રપતિ લઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્વા ભારતની યાત્રાએ છે અને રાજધાની દિલ્હીમાં હૈદરાબાદ
હાઉસમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. જેમાં બન્ને
દેશ વચ્ચે વધતા વેપાર અને ભવિષ્યનાં અવકાશની ચર્ચા કરવામાં આવી હતી. આ વાટાઘાટમાં વેપાર, ટેકનોલોજી અને એઆઈ સહયોગ વધારવાને નવી દિશા
અપાઈ હતી અને બન્ને દેશ વચ્ચે વેપાર સમજૂતી ઉપર પણ હસ્તાક્ષર થઈ ગયા છે. બન્ને નેતાઓએ
કરેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું હતું કે, ભારત-બ્રાઝિલ
આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 અબજ ડોલરથી અધિક પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ બ્રાઝિલનાં
રાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, લુલાનાં દૂરદર્શી નેતૃત્વથી બન્ને દેશનાં સંબંધોમાં નવી ઊર્જા મળી છે. તેઓ
એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા છે અને તેનાથી બન્ને દેશની વ્યૂહાત્મક ભાગીદારીને
પણ મજબૂતી મળી છે. મોદીએ આગળ કહ્યું હતું કે, અમારું માનવું છે
કે, તમામ સમસ્યાનો ઉકેલ વાતચીત મુત્સદ્દીથી લાવવો જોઈએ. બન્ને
દેશ એકમત છે કે, આતંકવાદ અને તેનાં સમર્થક આખી માનવતાનાં દુશ્મન
છે. વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં પણ સુધારાની જરૂરીયાત મુદ્દે
બન્ને દેશ એકમત છે. આ દિશામાં સાથે મળીને કામ પણ કરવામાં આવશે. મોદીએ આગળ કહ્યું હતું
કે, વૈશ્વિક તખ્તા ઉપર બન્ને દેશની ભાગીદારી મજબૂત અને અસરદાર
રહી છે. લોકતાંત્રિક દેશ તરીકે ગ્લોબલ સાઉથની જરૂરીયાતો અને આશાઓને બન્ને દેશ આગળ ધપાવતા
રહેશે. જ્યારે ભારત અને બ્રાઝિલ મળીને કામ કરે છે ત્યારે ગ્લોબલ સાઉથનો અવાજ પણ મજબૂત
બની જાય છે. મોદીએ આગળ જણાવ્યું હતું કે, આવશ્યક ખનીજ અને રેર
અર્થ મિનરલ્સ માટે થયેલા કરાર મજબૂત સપ્લાય ચેઈન બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
સંરક્ષણ ક્ષેત્રમાં પણ બન્ને દેશનો સહયોગ સતત વિસ્તરી રહ્યો છે. જે પારસ્પરિક વિશ્વાસ
અને વ્યૂહાત્મક સ્થિતિનું બહેતરીન ઉદાહરણ પણ છે. સ્વાસ્થ્ય અને ફાર્મા ક્ષેત્રમાં પણ
વ્યાપક સહયોગની સંભાવના છે. ભારત બ્રાઝિલને સસ્તી અને સારી દવાઓનો પુરવઠો વધારવા માટે
પણ કામ કરશે.