• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

વિકાસને વેગ આપતું બજેટ

2047માં ભારત કેવું હશે તેની સંકલ્પના સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે તેમાં ગુજરાત રાજ્ય સરકારે પણ આજે જાણે સૂર પુરાવ્યો છે. રાજ્યનું 4,08,053 કરોડનું જંગી અંદાજપત્ર વિધાનસભા સમક્ષ મૂકવામાં આવ્યું તેમાં શહેરીકરણ, રમતગમત ક્ષેત્ર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાથે અનેક કલ્યાણકારી યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે જોગવાઈઓ બજેટમાં થઈ છે તે સાંગોપાંગ પૂર્ણ થાય તો આગામી દિવસોમાં ગુજરાત વિશ્વ સ્તરે વધુ ઉજળું બને એવું વિધાન અતિરેકભર્યું નથી. 2030માં યોજાનારી કોમનવેલ્થ રમતો તથા સંભવત: ઓલિમ્પિક રમતોત્સવ પણ અહીં યોજાય તે બાબતો ધ્યાનમાં રખાઈ છે. કદાચ આ એવું પ્રથમ બજેટ છે જેમાં રમતગમતને આટલું મહત્ત્વ અપાયું છે. બજેટ સામાજિક સુરક્ષા, માનવસંશાધન વિકાસ, માળખાંકીય સુવિધા, આર્થિક વિકાસ, ગ્રીનગ્રોથને કેન્દ્રમાં રખાયા છે. અંદાજપત્રમાં નાણામંત્રીએ શહેરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક કારણ એ પણ હોઇ શકે કે, નજીકના મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- મહાનગર પાલિકાઓની ચૂંટણી આવી રહી છે. આમ પણ શહેરોના વિકાસમાં આ સરકારે 90ના દાયકાના અંતથી નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યા છે. હવે આધુનિક પદ્ધતિઓને સાથે રાખીને આ કામ થઈ રહ્યું છે. રમતગમત મંત્રાલય માટે 2006 કરોડની માતબર ફાળવણી થઈ છે, જે અંતર્ગત સોમનાથને વૈશ્વિક સ્થાન તરીકે વિકસાવવાનો મનોરથ સરકારે સેવ્યો છે. સોમનાથના ફક્ત બસપોર્ટ માટે જ રૂા.447 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી કોરિડોર, બહુચરાજી મંદિર, મહાશિવરાત્રિ મેળો જૂનાગઢ અને નર્મદા પરિક્રમાના વિશિષ્ટ ખર્ચને બજેટમાં સમાવાયા છે. ધાર્મિક પ્રવાસનનું મહત્ત્વ અહીં ઉજાગર થયું છે.  શિવરાજપુર અને સોમનાથ બીચ પર વિશ્વસ્તરીય સુવિધા વિકસાવવા અને પોરબંદરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા પણ અહીં જોગવાઈ છે. ધોળાવીરાને પણ ધ્યાનમાં રખાયું છે. દુનિયાભરના પ્રવાસીઓ જ્યાં વર્ષભર ઊમટે છે તેવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રૂા. 236 કરોડની ફાળવણી પણ ઉલ્લેખનીય છે. 2026નું વર્ષ સરકારે પ્રવાસન વર્ષ જાહેર કર્યું છે અને તેથી સૌરાષ્ટ્રના ગીર, સાગરકિનારા સહિતનાં સ્થળોના વિકાસને આ અંદાજપત્રમાં પ્રાધાન્ય અપાયું છે એવું કહી શકાય કે, બજેટની આ જોગવાઈ ગુજરાતને રાષ્ટ્રના વિવિધ રાજ્યો સાથે અને વિશ્વના દેશો સાથે વધુ મજબૂતીથી જોડવામાં નિમિત્ત બનશે. રાજ્યના આંતરિક અને અન્ય રાજ્યોને જોડતા રસ્તા માટે હાઈસ્પીડ કોરિડોર જેવી યોજના આ પ્રવાસનને પ્રોત્સાહક પરિબળ તરીકે ભાગ ભજવશે.  2030માં કોમનવેલ્થ રમતો આવી રહી છે. તેના માટે અમદાવાદને `ઓલિમ્પિક રેડિસિટી' બનાવવા માટે રૂા.1278 કરોડની ફાળવણી થઈ છે.  પ્રાકૃતિક ખેતીને પણ ધ્યાને રાખીને કૃષિ ઓજારોની સહાય માટે પણ જોગવાઈ છે, તો સામે ઉદ્યોગો માટે 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવા તથા 120 મિની જીઆઈડીસીના નિર્માણનો પ્રસ્તાવ નાણામંત્રીએ મૂક્યો છે. આત્મનિર્ભર ગુજરાતની યોજના અંતર્ગત એમએસએમઈને પ્રોત્સાહન અપાયું છે. એકંદરે રાજ્યની સમૃદ્ધિમાં આ બજેટ ઉમેરો કરશે તેવી આશા રાખી શકાય.  

Panchang

dd