• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

મોટી રાયણમાં 7.48 લાખનો શરાબ જપ્ત

ભુજ / ગાંધીધામ, તા. 21 : રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ  વડવાળા ગામમાંથી ગુજરાતનો વિક્રમી એવો ચાર કરોડનો દારૂ ઝડપી લીધા બાદ પોલીસ દોડતી થઇ હતી. આજે જ્યારે ગુજરાતના ડીજીપી શ્રી રાવ પણ કચ્છમાં છે ત્યારે આ વચ્ચે એલસીબીને માંડવી તાલુકાના મોટી રાયણમાંથી 7.48 લાખનો શરાબ મળી આવ્યો હતો, જ્યારે સામખિયાળી-ભચાઉ ધોરીમાર્ગ ઉપર  પોલીસે હોટલની દીવાલમાં છુપાવેલો રૂા. 85,600નો શરાબનો જથ્થો કબજે લીધો હતો.આ બાબતે મળતી વિગતો મુજબ મોટી રાયણ ગામની પશ્ચિમ બાજુએ આવેલા તળાવના વોકળામાં ગત રાત્રે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  અહીંથી શરાબની અલગ અલગ બ્રાન્ડની 911 બોટલ જપ્ત કરવામાં આવી હતી. જેની કિંમત રૂા.7.48 લાખ અંકરાઈ છે. આ દારૂ પ્લાસ્ટિકના કંતાન નીચે છુપાવવામાં આવ્યો હતો. માંડવીના કલવાણ રોડ પર રહેતા દેવરાજ ગોપાલ ગઢવીનો દારૂ હોવાનું  અને દરોડા દરમ્યાન આરોપી હાજર ન હોવાનું કોડાય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી એસએમસીના કેસ બાદ પશ્ચિમ કચ્છ એલસીબીની હાજરી પૂરાવાની કાર્યવાહી હોવાનું લોકો કહી રહ્યા છે. આ બાબતે કોડાય પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને ક્રોસ તપાસ માંડવી પી.આઈ. સી.વાય. બારોટને સોંપવામાં આવી છે. પૂર્વ કચ્છ  એલ.સી.બી. પોલીસે  સામખિયાળી  પાસે  આવેલા દેશી તડકા હોટલ એન્ડ ગેસ્ટ  હાઉસમાં દરોડો પાડયો હતો. આ સ્થળે છાનબીન દરમ્યાન પોલીસે  હોટલના ઢાબાના ભાગે દીવાલમાં  બનાવેલા ખાનામાંથી શરાબ   શોધી કાઢી ભારતીય બનાવટના વિદેશી દારૂની 27 બોટલ તથા બિયર 78 ટીન કબજે કર્યા હતા. આ કાર્યવાહીમાં આરોપી  છોટુકુમાર વિનોદ સાવ તથા અમ્રીતપાલસીંગ જગતારસીંગની બે મોબાઈલ ફોન કિં. રૂા. 30 હજાર  સાથે કુલ રૂા. 1,15,600ના મુદામાલ સાથે ધરપકડ કરી  હતી.  આ ગુનામાં સામેલ હોટલ સંચાલક દોજી પંજાબીને ઝડપી પાડવા  માટે પોલીસે ચક્રોગતિમાન  કરી વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd