90 ટકા જેટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પેટન્ટ સાથે અમેરિકા, ચીન અને યુરોપ અત્યારે આગળ છે, પણ એનો અર્થ એ નથી કે રેસ પૂરી થઈ ગઈ છે અને હવે અન્ય કોઈ માટે જરાસરખો પણ
અવકાશ નથી. નવી દિલ્હીમાં 20મી ફેબ્રુઆરી સુધી યોજાનારી ઇન્ડિયા-એઆઇ ઇમ્પેક્ટ સમિટ ભવિષ્ય
માટે અત્યંત મહત્ત્વની છે. એઆઇની દિશા શું હોવી જોઈએ, એનું મંથન આ સમિટમાં થશે, સાથે જ એ તરફ ચાલવાનો માર્ગ પણ ખૂલી શકે છે. સમિટની આ ચોથી આવૃત્તિ ગ્લોબલ
સાઉથમાં યોજાઈ રહી છે અને તેમાં વિશ્વભરમાંથી 35 હજાર જેટલા પ્રતિનિધિ હાજર
રહેવાના છે. એઆઇ પ્રત્યેના આંક નવા અભિગમને વિકસાવવાનું માળખું ઘડવા માટે ભારત આ સમિટનો
ઉપયોગ કરવા તત્પર છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ) પર કરેલા કામના માધ્યમથી
ભારત ડિજિટલ પરિવર્તન માટે વૈકલ્પિક મોડેલનો પાયો નાખવા માગે છે, જેમાં ખાનગી નફા કરતાં જાહેર પ્રયોજનને વધુ
મહત્ત્વ મળતું હોય. આ સમિટનું સૂત્ર છે -પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોગ્રેસ,
જે ભારત સરકારના `સબ કા સાથ, સબ કા
વિકાસ' મંત્રને અનુરૂપ છે. અમેરિકા કે ચીનની સરખામણીમાં ભારતનો
એઆઇ પ્રવાસ હજી માંડ શરૂ થયો છે. માર્ચ 2024માં સરકારે ઇન્ડિયા
એઆઇ મિશનની શરૂઆત કરી હતી અને તે અંતર્ગત સેમિકન્ડક્ટર, એઆઇ અને મશીન લર્નિંગ જેવાં ક્ષેત્રોમાં પહેલ
કરાઈ હતી. ક્લાઉડ કંપનીઓ ભારતમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે આકર્ષી રહી છે. એઆઇ વિશેની
ગેરમાન્યતાઓ અને ભયને પણ દૂર કરવાની દિશામાં કામ થવું જરૂરી છે. એઆઇ માટે સૌથી મોટી
જરૂરિયાત છે, ડેટા અને એક રીતે આ બાબત ભારતની સૌથી મોટી શક્તિ
છે. 1.40 કરોડ લોકોના દેશમાં વિવિધ ડેટાથી
સશક્ત એઆઇ કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય સંભાળ અને કાયદા જેવાં ક્ષેત્રોમાં કમાલ કરી શકે છે. જો કે,
ભારતમાં ઉપલબ્ધ ડેટાની એકરૂપતા, વૈવિધ્યતા,
ઊંડાણ અને વિશ્વસનીયતા સામે પ્રશ્ન છે. વળી, એઆઇ
એટલે માળખાકીય રીતે ડેટા સેન્ટર ઊભાં કરવાં એ માન્યતા પણ ભાંગવી જરૂરી છે. સરકાર આ
દિશામાં પહેલ કરી રહી છે, એ આવકારદાયક બાબત છે, પણ ટેક્નોલોજી ફૂલવા-ફાલવા માટે નાવીન્ય, પ્રયોગો,
સહકાર, જોખમો ખેડવા અને વૈશ્વિક સંશોધન નેટવર્ક
સુધીની પહોંચ જેવી બાબતો પર આધાર રાખે છે. આથી સરકાર આગળ જતાં આ ક્ષેત્રમાં નિયમનકાર
કે નિયંત્રક બનવા કરતાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે એ જરૂરી છે. એઆઇના વિકાસમાં ખાનગી અને
સાર્વજનિક ગોપનીયતા તથા સુરક્ષા સંબંધી ચિંતાઓને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. વૈશ્વિક
સંવાદમાં આ મુદ્દાઓ અત્યંત મહત્ત્વના છે અને પોતાની ક્ષમતાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પ્રદર્શિત
કરવા સાથે આ દિશામાં પણ નક્કર પગલાં માટે સર્વસંમતિ સધાય એ માટેના પ્રયત્નો આ સમિટના
પરિપાક તરીકે સામે આવે એ સૌથી મહત્ત્વની બાબત છે.