• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ઐયરનો રાહુલ સામે જંગ

રાહુલ ગાંધી ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગે ચડયા છે, ત્યારે કોંગ્રેસના - એમના ઘરમાં ચરુ ઊકળી રહ્યો છે! અને મણિશંકર ઐયર એક વખતના એમના ચાણક્ય અને વિશ્વાસુ ગણાતા હતા તે - હવે રાહુલ સામે જંગ છેડવા તૈયાર થયા છે. તાજેતરમાં કેરળની મુલાકાતમાં એમણે કહ્યું કે, કેરળમાં ડાબેરી મોરચાની સરકાર ફરીથી સત્તા ઉપર આવશે. કોંગ્રેસ મોરચા માટે આ નિવેદન નકારાત્મક - નિરાશાવાદી હોવાથી કોંગ્રેસ હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે અને ઐયરની `આગાહી' સાથે કોંગ્રેસને કોઈ સંબંધ નથી એમ જણાવ્યું છે. આ પછી ઐયરે રાહુલ ગાંધીની નેતાગીરીને ઉતારી પાડી છે, પોતે રાજીવ-વાદી (રાજીવ ગાંધીના ટેકેદાર છે) રાહુલ ગાંધી-વાદી નથી... એમ પણ કહ્યું છે! હવે આવા ખુલ્લેઆમ પડકાર પછી `હાઈકમાન્ડ' કેવાં પગલાં ભરે છે - ઐયરની પક્ષમાંથી હકાલપટ્ટી કરે છે કે પછી ઉંબરા બહાર ઊભા રાખે છે તે જોવાનું છે. મણિશંકર ઐયર કોઈની પરવા કરે એવા નથી. રાહુલ ગાંધીના વિશ્વાસુ હોવા છતાં બેફામ આક્ષેપબાજીથી કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થયું હતું. રાહુલ ગાંધીના ખભા ઉપર જનોઈ ટાંગીને `જનોઈધારી બ્રાહ્મણ' બનાવીને હાસ્યાસ્પદ બનાવ્યા હતા. હવે રાહુલ ગાંધી અને `હાઈકમાન્ડ' જયરામ રમેશ અને પવન ખેડામાં વધુ વિશ્વાસ અને જવાબદારી મૂકે છે! ઐયર કોંગ્રેસ વિરુદ્ધ બોલે છે અને લખે છે - એમ ઠસાવી દીધું છે અને એમને `ઘર બહાર' કાઢયા છે તે પછી ઐયર વધુ છેડાયા છે અને કહે છે કે નેહરુ અને ગાંધી પરિવારની ઉન્નતિ કોંગ્રેસી કાર્યકરોને આભારી છે. રાહુલ ગાંધીના કહેવાતા મિત્રો પણ કોંગ્રેસ પક્ષ છોડી ગયા છે. જો તમે નેહરુ - ગાંધી પરિવારની નેતાગીરી સ્વીકારો નહીં તો કોંગ્રેસમાં સ્થાન નથી. હું હજુ કોંગ્રેસમાં છું, મેં પક્ષ છોડયો નથી. પવન ખેડા મને બરતરફ કરવા માગે છે તો ભલે કરે. હું ખુશીથી બહાર જઈશ અને પછી એમને `પૂંઠે' લાત મારીશ. પોતે ગાંધીવાદી હોવાનો - સત્યવાદી હોવાનો દાવો પણ કર્યો છે. આટલું કહ્યા પછી મણિશંકર કહે છે કે, કોંગ્રેસના `ઇન્ડિયા મોરચા'ને બચાવવો હોય તો તામિલનાડુના ડીએમકેના મુખ્યપ્રધાન સ્ટાલીન જ બચાવી શકશે અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવામાં મદદ કરશે. પણ તેઓ જાણતા જ હશે કે, અત્યારે કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે મતભેદ છે - તંગદિલી છે. કોંગ્રેસ સત્તામાં ભાગીદારી માગે છે અને ડીએમકે વિધાનસભામાં બેઠકો આપે પણ સત્તામાં ભાગીદારી - પ્રધાનપદ આપવા તૈયાર નથી. કર્ણાટક અને કેરળમાં પણ કોંગ્રેસ અને ભાગીદાર પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલે છે. આ સંજોગોમાં `જૂથવાદી રાજકારણ' ગંભીર બન્યું છે! રાહુલ ગાંધી માટે મણિશંકર ઐયરનો મોરચો ખુલવો સારા સંકેત નથી. તાજેતરમાં સંસદના બજેટ સત્ર દરમ્યાન પૂર્વ સેનાધ્યક્ષ નરવણેના અપ્રગટ પુસ્તકનો ઘટસ્ફોટ કરીને તેમણે શાસક ભાજપને મૂંઝવણમાં મૂક્યો. તેઓ આક્રમકતાથી આગળ વધી રહ્યા છે, પણ લાંબાગાળાની લડાઇ લડવા માટે તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સાથ જોઇશે. અણગમતું બોલનારાને મૂકી દેવાને બદલે સૌને સાથે લઇને  ચાલે એ ખુદ રાહુલનાં હિતમાં છે. 

Panchang

dd