કાઠડા (તા. માંડવી), તા. 21 : કાઠડા ગામની
ગૌચર જમીનની એરસ્ટ્રીપના વિસ્તૃતીકરણ માટે ફાળવણી કરી દેવાતાં ગ્રામજનો અને ગૌપ્રેમીઓમાં
નારાજગી ફેલાઈ છે, જરૂર પડયે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ચીમકી આપી છે. સામાજિક
અને રાજકીય આગેવાનોએ જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી આ મુદ્દે સ્થાનિકે મુલાકાત લઈ ફેરવિચારણા
કરાય તેવી માંગ કરી હતી. કલેકટર આનંદ પટેલે યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી. સાંસદ
વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અરુદ્ધ દવે, ભાજપ
પ્રમુખ દેવજીભાઈ વરચંદનાં માર્ગદર્શનન હેઠળ કલેક્ટર કચેરી ખાતે કાઠડા ગામની ગૌચર જમીન
ઉપર આવી રહેલા એરપોર્ટ બાબતે અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી,
માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી
તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, મહામંત્રી લક્ષ્મીશંકર જોશી,
તા.પં. સદસ્ય દેવાંગભાઈ ગઢવી, યુવા ભાજપના પ્રમુખ
ગોપાલભાઈ ગઢવી, કારોબારી સભ્ય વિરમભાઈ ગઢવી, કિસાન મોરચના શંભુદાન ગઢવી, અગ્રણી રતનભાઈ ગઢવી,
રમેશભાઈ ગઢવી સહિતના અગ્રણીઓએ ગૌચરમાં રહેલ સ્થાનિકો અને માલધારીની રોજીરોટી,
તળાવો, ગૌશાળા ક્રિકેટનાં મેદાન, ધાર્મિક જગ્યા સહિત સાથે મુખ્ય રસ્તો પણ આ એરસ્ટ્રીપમાં આવી જવાથી ગામની દિશા અને દશા બદલાઈ જશે,
ત્યારે સંબંધિત તંત્ર સ્થળ ઉપર મુલાકાત કરે તેવી અગ્રણીઓ અને ગામલોકો
માંગ કરી રહ્યા છે.