નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન
નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલના પ્રવાસે
રહેવાના છે. પીએમ મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે રણનીતિક અને રક્ષા
સંબંધને નવી ઊંચાઈએ લઈ જવાની તૈયારી છે. જો કે પીએમ મોદીના પ્રવાસમાં સુરક્ષા સહયોગ
ઉપર મહત્ત્વના એમઓયુની સંભાવના છે. જેની અનુમાનિત પડતર આગામી અમુક વર્ષમાં 10 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી
શકે છે. પ્રવાસમાં બેલેસ્ટિક મિસાઇલ રક્ષા પ્રણાલી ઉપર વિચાર થઈ શકે છે. જેનો મુખ્ય
આધાર મિશન સુદર્શન છે. કહેવાય છે કે ઈઝરાયલ ભારતને તમામ સીક્રેટ હથિયારો આપવા માટે
તૈયાર છે. કહેવાય છે કે ઈઝરાયલે ભારત સાથે નવી ટેક્નોલોજી શેર કરવા ઉપર સહમતી વ્યક્ત
કરી છે. જેમાં હાઈ ટેક લેઝર રક્ષા પ્રણાલી અને અન્ય સ્ટેન્ડ ઓફ સિસ્ટમ સામેલ છે. આ
વિસ્તારિત રક્ષા સહયોગનો પાયો રક્ષા સચિવ આરકે સિંહના નવેમ્બર મહિનાના ઈઝરાયલ પ્રવાસમાં
રખાયો હતો. હવે ભારત ઈઝરાયલ સાથે મળીને બેલેસ્ટિક મિસાઇલ રક્ષા પ્રણાલી વિકસિત કરવાની
સંભાવના ઉપર વિચાર કરી રહ્યું છે. આ પ્રણાલીનો મુખ્ય આધાર મિશન સુદર્શન છે. યાત્રાનો
મુખ્ય હેતુ જ મિશન સુદર્શન હોવાનું કહેવાય છે. આ મિશનનું લક્ષ્ય ભારતની ભૂમિને દુશ્મનની
લાંબી દૂરીની મિસાઇલથી પૂરી રીતે સુરક્ષિત રાખવાનો છે.