• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

અંજારની કામધેનુ સોસાયટીમાં મજબૂત રોડ તોડી પેવરબ્લોક નખાતાં સ્થાનિકોમાં રોષ

અંજાર, તા. 21 : અહીંની નગરપાલિકા દ્વારા યોગ્ય આયોજન વિના વિકાસનાં કામો કરવામાં આવતાં હોવાની  ફરિયાદો વચ્ચે શહેરની કામધેનુ સોસાયટીમાં  મજબૂત આર.સી.સી. રસ્તાને તોડી  પાડીને તે સ્થળે પેવરબ્લોક નાખવાની  હિલચાલને લઈને સ્થાનિકોમાં નારજગી પ્રસરી હતી. અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં  રસ્તા સહિતના અનેક  પ્રકલ્પોનું કામો ચાલી રહ્યા છે. આ કામો સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના આડેધડ થતા હોવાની ફરિયાદો નાગરિકોમાં ઊઠી છે. તાજેતરમાં પાલિકા દ્વારા  કામધેનુ સોસાયટી વિસ્તારમાં  બનેલા આર.સી.સી.  રસ્તાને તોડી પાડવામાં આવ્યો છે. આ રસ્તાની મજબૂતાઈ એટલી હતી કે  રસ્તો તોડવા માટે શ્રમિકોને મશીનની મદદ લેવી પડી હતી. દરમ્યાન સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અહીં પેવરબ્લોક નાખવા માટે રસ્તાને તોડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સવલતોની જરૂરિયાત છે. નાગરિકો દ્વારા ભૂતકાળમાં સંબંધિતો સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં   યોગ્ય સ્થળે કામો કરવામાં આવતાં નથી. આ પ્રકારની તથ્ય વિનાની કામગીરી સહિતના   મુદ્દે આક્ષેપો ઊઠયા હતા. સ્થાનિક નગરસેવકોની પોતાના વિસ્તારમાં થતાં કામની જાગરુકતા અંગે પણ સવાલો ખડા થયા છે. શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે  વિકાસકામોનું  આયોજન કરાયું હોય તો ફરીથી સર્વે કરી જરૂરિયાતમંદ વિસ્તારમાં કામો કરવામાં આવે તેવી સમયની માંગ છે. 

Panchang

dd