નવી દિલ્હી, તા. 21 : યુજીસીએ દેશમાં
ચાલી રહેલી 32 ફર્જી યુનિવર્સિટીની યાદી જાહેર
કરી છે. માન્યતા વિનાની આ યુનિવર્સિટી પોતાને યોગ્ય ગણાવીને છાત્રોનાં ભવિષ્ય સાથે
ચેડા કરી રહી હતી. યુજીસીએ ચેતવણી આપી છે કે આ યુનિવર્સિટી પાસેથી મળેલી ડિગ્રી નોકરી
અને ઉચ્ચ શિક્ષા મેળવવા માટે અવૈધ છે. યુજીસીએ રાજ્યદીઠ ફર્જી યુનિવર્સિટીની યાદી જાહેર
કરી છે તેમાં સૌથી વધારે 12 સંસ્થાન દિલ્હીમાં
છે. યાદી અનુસાર ઉત્તર પ્રદેશમાં ચાર ફર્જી
યુનિવર્સિટી છે. યુજીસીએ સ્પષ્ટ કર્યું છે કે આ 32 સંસ્થાન યુજીસી અધિનિયમ, 1965 હેઠળ કોઈપણ રૂપમાં ડિગ્રી આપવા
માટે લાયક કે અધિકૃત નથી. આયોગે કહ્યું છે કે આ સંસ્થાનોને કેન્દ્ર સરકાર કે રાજ્ય
સરકાર તરફથી માન્યતા મળી નથી. વધુમાં છાત્રોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વિશ્વવિદ્યાલય
અથવા સંસ્થાનમાં એડમિશન લેતા પહેલા તેની માન્યતાની સ્થિતિ યુજીસીની વેબસાઇટ ઉપર ચકાસી
લેવામાં આવે. યાદી અનુસાર દિલ્હીમાં 12, ઉત્તર પ્રદેશમાં 4, આંધ્રપ્રદેશમાં 2, કર્ણાટકમાં 2, કેરળમાં 2, મહારાષ્ટ્રમાં 2, પુડ્ડુચેરીમાં 2, પશ્ચિમ બંગાળમાં 2, અરુણાચલ પ્રદેશમાં 1, હરિયાણામાં 1, ઝારખંડમાં 1 અને રાજસ્થાનમાં 1 એવી યુનિવર્સિટી છે જેની યુજીસી તરફથી માન્યતા
પ્રાપ્ત નથી અને ફર્જી રીતે ચાલી રહી છે.