દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ્ ચેરમેન એમિરેટ્સ
રતન ટાટાનાં 86 વર્ષની વયે અવસાનથી દેશનું સ્તબ્ધ થવું સ્વભાવિક છે, તેમની અંતિમયાત્રામાં
માનવમેદનીનું ઊમટવું તેમના પ્રત્યેનો અણમોલ પ્રેમ અને આદર દાખવે છે. રતન ટાટાનું જીવન
દંતકથા લાગે. આવો વીરલો સદીમાં નહીં, યુગમાં એકવાર પાકે છે. ટાટા સમૂહ 2023-24માં
13 લાખ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગ સમૂહોમાંથી એક છે.
ભારતના રતન કહેવાતા દિગ્ગજ ઉદ્યોગપતિ અબજોપતિઓમાં સામેલ હોવા છતાં સાદગીને કારણે સૌના
દિલ જીતી લેતા હતા. રતન ટાટાએ તેમનાં ગ્રુપની અનેક કંપનીઓમાં કામ કર્યું હતું, જેમાં
ટેલ્કો જે હવે ટાટા મોટર્સ લિમિટેડ છે અને ટાટા સ્ટીલ લિમિટેડ જેવી કંપનીઓ સામેલ છે.
આગળ જતાં તેમણે ટાટાના એક અન્ય એકમ નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ કંપનીનું નુકસાન
ખતમ કરી માર્કેટની ભાગીદારી વધારી. તેમણે 1991થી 2012 સુધી નમકથી લઈ સોફ્ટવેર બનાવનારી
કંપની `ટાટા સન્સ'ના અધ્યક્ષના રૂપમાં ટાટા ગ્રુપનું
નેતૃત્વ કર્યું. આ કમાન તેમના હાથમાં એ સમયે સોંપવામાં આવી, જ્યારે ભારતે અર્થતંત્રમાં
ક્રાંતિકારી સુધારાની શરૂઆત કરી હતી. શરૂઆતના દિવસોમાં રતન ટાટા સમૂહની અનેક કંપનીઓમાં
લાંબા સમયથી કબજો ધરાવનાર કેટલાક દિગ્ગજોની શક્તિઓ પર લગામ તાણવાના પ્રયાસ કર્યા. કંપનીઓમાં
સેવા નિવૃત્તિની ઉંમર નિર્ધારીત કરવામાં આવી અને યુવા લોકોને વરિષ્ઠ પદો પર પદોન્નત
કરવામાં આવ્યા. આ કંપનીઓ પર તેમનું નિયંત્રણ વધતું ગયું. તેમણે દૂરસંચાર કંપની ટાટા
ટેલિ સર્વિસીસની સ્થાપના કરી. 1996માં આઈટી ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને પોતાના
આધિન કરી. સમૂહની આવકમાં મોટો હિસ્સો આપનારી આ કંપનીને 2024માં પબ્લિક કરવામાં આવી.
ટાટા ગ્રુપ ભારે સંખ્યામાં લોકોને રોજગાર આપી રહ્યું છે. આર્થિક વર્ષ-2023ના આંકડા
અનુસાર દુનિયાભરમાં ટાટા ગ્રુપની કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓની સંખ્યા
10,28,000 હતી. ટાટા ગ્રુપના ટીસીએસમાં જ આશરે 6,15,000 લોકો કામ કરે છે. રતન ટાટાના
નેતૃત્વનાં 21 વર્ષમાં ટાટા સમૂહનો કારોબાર 40 ગણાથી અધિક અને નફો 50 ગણાથી અધિક વધ્યો
છે. ટાટા સમૂહથી દૂર થયા પછી રતન ટાટા ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં મુખ્ય રોકાણકાર તરીકે
ઓળખાતા હતા. તેમણે ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ સહિત અનેક કંપનીઓ જેવી કે ઓલા ઈલેક્ટ્રિક
અને ઘરેલુ અને સૌંદર્ય સેવા પ્રદાતા અર્બન કંપની જેવા સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું.
તેમણે સ્નેપડીલ, ટીબોક્સ અને કેશ કરો ડોટ કોમની પણ મદદ કરી. અસાધારણ અને વિશિષ્ટ સેવા
માટે 2008માં ભારતના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા.
ટાટા પરિવારનું દેશના વિકાસમાં મોટું યોગદાન છે અને રતન ટાટાએ પણ પોતાના નિર્ણયોથી
પરિવારની આ પરંપરાને કાયમ રાખી છે. તેઓ દેશપ્રેમથી છલોચલ હતા. કોરોના મહામારી વખતે
એમણે દેશને રૂા. 500 કરોડની મદદ પહોંચાડી હતી.