• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નેતાઓને સાવધાન કરતી ઘટનાઓ

વરસાદની આગાહી હજી થઈ રહી છે. માછીમારો માટે જે રીતે દરિયો ન ખેડવાની ચેતવણી અપાય છે તેવી જ ચેતવણી પ્રજા રાજ્યના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આપી રહી છે. પૂરની અસર જ્યાં જ્યાં વધારે છે તેવા શહેરો-વિસ્તારોમાં નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. જો કે, વડોદરામાં આવું વધારે જોવા મળ્યું છે, પરંતુ આ રોષ તો સમગ્ર રાજ્યમાં છે. શાસક કે વિપક્ષના નેતાઓ, જાહેરજીવનના લોકો જો  આ ઈશારો સમજશે નહીં તો ભવિષ્યમાં તેમના માટે વગર પૂરે પણ ફસાવા જેવી સ્થિતિ થશે તેવું લોકોનો મિજાજ જોતાં લાગે છે. ગયા અઠવાડિયે રાજ્યમાં સતત ચાર દિવસ વરસેલા વરસાદે શહેરો-ગામડાં અને હાઈ-વેની સ્થિતિ બદતર કરી નાખી હતી. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી એટલી હદે ઘૂસ્યું કે શહેરની ગતિવિધિ અટકી ગઈ. વીજપુરવઠો ખોરવાયો, પાણીનો નિકાલ શક્ય નહીં અને સતત પાણી ભરાતું હતું. શેરીમાં મગરો ફરે, લોકોના જીવ તાળવે હતા. અલબત્ત, વરસાદનું જોર અને નદીમાં પાણીનો વધતો પ્રવાહ એટલો હતો કે, તંત્ર તાત્કાલિક તો ક્યાં અને કેમ પહોંચે? તે સવાલ થાય, પરંતુ લોકોનાં મનમાં એક વાત ઠસી ગઈ કે આ પૂર-આ સ્થિતિ કુદરત સર્જિત નથી, શાસન સર્જિત છે. વિશ્વામિત્રીનો પ્રવાહ રોકાય તે રીતે પટ સાંકડો થઈ રહ્યો છે. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ નથી. દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે. શરૂઆતમાં રસ્તા પર પાણી હતું અને તે ઓસર્યું પછી લોકો રસ્તા પર હતા. વડોદરાના અનેક વિસ્તારમાં કોર્પોરેટર્સને જવા દેવાયા નહીં.  તેમની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર થયા.  વિવિધ વિસ્તારમાં બોર્ડ-બેનર લાગ્યાં કે અહીં કોઈ રાજકીય પક્ષના લોકોએ પ્રવેશ કરવો નહીં. સોશિયલ મીડિયા, ટીવી ચેનલ પર નાગરિકોએ રોષ ઠાલવ્યો. વડોદરામાં આવાં દૃશ્યો વધારે જોવા મળ્યાં. બીજી તરફ જૂનાગઢમાં પણ પાણી ભરાવા સહિતની સમસ્યા સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. રાજ્યના હાઈ-વે ધોવાઈ ગયા છે. શહેરની અંદરના અને શહેરોને જોડતા માર્ગો તૂટયા છે. લોકોમાં ભારોભાર નારાજગી અને રોષ છે.  વરસાદ પ્રેરિત નુકસાનીમાં કચ્છ પણ બાકાત નથી. કચ્છનાં ગામ-શહેરોના માર્ગ ખરાબ રીતે તૂટયા છે. જિલ્લામથક ભુજ હોય, બંદર નગરી માંડવી હોય, ભચાઉ, અંજાર કે ગાંધીધામ, કયાંય રસ્તા સાબૂદ નથી. લોકોનો રોષ એ છે કે, થાગડથીગડ થયા પછી ટૂંકાગાળામાં ફરી સ્થિતિ બગડી જશે. સરકારે નિયમાનુસાર રસ્તા બનાવવા જોઇએ જેથી ગુણવત્તા જળવાય અને પ્રજાના પૈસાનો બગાડ કે ભ્રષ્ટાચાર અટકે. કુદરતી સ્થિતિ સામે કોઈનું કંઈ ન ચાલે તે એક હદ સુધી સમજી શકનાર લોકો બાકીની સ્થિતિ પણ જાણે છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વિવિધ પ્રભારી મંત્રીઓ સતત સંપર્કમાં છે તે પણ સાચું, પરંતુ લોકોનો મિજાજ પણ આ વખતે વરસાદની જેમ થોડો આકરો છે. વિપક્ષ કે શાસક સૌ કોઈએ સમજવું-જાણવું પડશે કે હવે પ્રજાની મુશ્કેલીના ઉકેલ માટે વધારે સક્રિય થવાની જરૂર છે. વરસાદ ક્યાંક સત્તા કે જાહેરજીવનની પ્રતિષ્ઠા માટે પણ વેરણ ન બને તે જોવું પડશે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang