• મંગળવાર, 02 જુલાઈ, 2024

શાબાશ! રોહિતસેના

* દીપક માંકડગયાં વર્ષે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જે થઇ શકયું પરાક્રમ વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોઝ ખાતે રોહિતસેનાએ કરી બતાવ્યું છે. શનિવારે રમાયેલી વિશ્વકપની ફાઇનલમાં મજબૂત દક્ષિણ આફ્રિકાને 7 રને શિકસ્ત આપીને ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ જગતમાં સિક્કો જમાવી દીધો છે. ભારતનો કુલ ચોથો વિશ્વકપ વિજય છે અને ટી-ટ્વેન્ટીમાં 17 વર્ષે ફરી શહેનશાહ બન્યું?છે. કેપ્ટન રોહિત શર્માએ કપિલદેવ અને મહેન્દ્રસિંહ ધોનીની પંક્તિમાં ગૌરવભેર સ્થાન મેળવ્યું... ટીમના કોચ રાહુલ દ્રવિડને ખેલાડીઓએ વર્લ્ડકપ ટ્રોફી સાથે ભવ્ય વિદાય આપી છે. રાહુલે વિશ્વકપ ટ્રોફી હાથમાં લીધી ત્યારે 2011માં ગેરી કસ્ટર્નની વિદાયની પળો તાજી થઇ હતી. હાર્દિક પંડયાની આખરી ઓવરનો અંતિમ દડો ફેંકાયો સાથે ઇતિહાસ રચાઇ ગયો.. ત્યાંના મેદાનમાં ભારતના દરેક ગામ, શહેરમાં, ઘરના ડ્રોઇંગ રૂમમાં, કરોડો આંખોમાં હર્ષનાં આંસુ વહી નીકળ્યાં હતાં. ટીમને ચેમ્પિયન બનાવવામાં ચાવીરૂપ યોગદાન આપનારા જસપ્રીત બૂમરાહ અને હાર્દિક પંડયાએ યોગ્ય કહ્યું કે, લાગણીઓ કાબૂમાં રહી શકે એમ નથી. ભારતવાસીઓએ જાણે આગોતરી દિવાળી ઊજવી. વિશ્વકપ ભારત માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ફાઇનલમાં વિરાટ કોહલી મેન ઓફ મેચ બન્યો અને પ્લેયર ઓફ ટૂર્નામેન્ટનું બિરુદ ઝડપી બોલર બુમરાહને મળ્યું, પરંતુ આખી સ્પર્ધા જે રીતે રમાણી અને ભારતે એક પછી એક કોઠા ભેદ્યા એની સમીક્ષા કરીએ તો જણાશે કે સાચા અર્થમાં સંઘબળે જીત મળી છે. વિરાટ આખી ટૂર્નામેન્ટમાં ઓપનર તરીકે ફ્લોપ રહ્યો, પણ તેણે અંતિમ મહા મુકાબલા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન છૂપાવી રાખ્યું હતું. બીજી ઓવરમાં રોહિત અને પંતની વિકેટ પડી ગયા પછી વિરાટે એક છેડો સાચવી રાખીને ટીમને લડાયક જુમલે પહોંચાડી. ફાઇનલની 16મી ઓવર સુધી . આફ્રિકાની જીત નિશ્ચિત જણાતી હતી, પણ હાર્દિકે ક્લાસેનને કેચ આઉટ કરાવીને ભારત માટે બંધ થઇ ગયેલો દરવાજો ખોલ્યો... પછી બૂમરાહે યાન્સેનને બોલ્ડ કર્યો.. અને સૌથી નિર્ણાયક ઘડી હતી સૂર્યાએ મિલરનો પકડેલો કેચ. મિલર બે-ચાર ફટકામાં બાજી મારી જાય એવો બેટ્સમેન છે, તેણે સિક્સ માટે ફટકો માર્યો. ચપળ અને ચતુર સૂર્યાએ નિશ્ચિત સિક્સને કેચમાં પલટાવી, પછી ભારતીય છાવણી પરથી હારનાં વાદળ વિખેરાઇ ગયાં હતાં. કેપ્ટન રોહિત શર્મા અને ટીમને અઢળક અભિનંદન. દક્ષિણ આફ્રિકાનો ખરા સમયે ફસકી જવાનો અભિશાપ વધુ એકવાર લંબાયો. વિશ્વકપ જીત માટે ઝડપી બોલર અર્શદીપસિંહ અને નવોદિત શિવમ દૂબેને પણ યાદ રખાશે. હાર્દિક પંડયાએ ઓલ રાઉન્ડર તરીકે પરિપક્વતા દેખાડી, તે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય છે. ફાઇનલમાં મેન ઓફ મેચ બનીને વિરાટે ટી-ટ્વેન્ટી ક્રિકેટને અલવિદા કરી છે.. ગૌરવભેર..2011માં જીત સાથે સચિનયુગનો અંત આવ્યો. હવે ટી-ટ્વેન્ટીમાં વિરાટયુગ સમાપ્ત થયો. પહેલી વાર અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી વિશ્વકપ સ્પર્ધાએ અનિશ્ચિત પરિણામો જરૂર આપ્યાં, વરસાદનો પ્રભાવ રહ્યો. અંતિમ જંગમાં ફરીવાર પુરવાર થયું કે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. સાથે મંત્ર પણ પાક્કો થયો કે મહેનત કરનારી ટીમ પરાજયમાંથી વિજય કંડારી શકે છે. ભારતની જીત ક્રિકેટ ઇતિહાસમાં યાદ રહેશે. ટીમ?ઇન્ડિયા તેની હક્કદાર હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang