• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ગાંધીધામમાં વીજથાંભલાના વાયરથી યુવાનને વીજશોક લાગતાં મોત

ગાંધીધામ/ભુજ, 1 : ગાંધીધામના ખોડિયાર નગર નજીક રમણચોરાયા વિસ્તારમાં વિજશોક લાગતા અર્જુન શંકરપ્રસાદ વર્મા (.. 46) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ રાપરના બામણસર નજીક માર્ગે ઓળંગતી સાહિસ્તા રહીમ ફતેમામદ સમેજા નામની બાળકીને બાઈકે હડફેટમાં લેતા બાળકીનું મોત થયું હતું. જ્યારે નખત્રાણા તાલુકાના ખાંભલામાં 24 વર્ષીય યુવતી હરખુબેન ભીખાભાઈ રબારીએ જંતુનાશક દવા ગટગટાવી મોતને વહાલું કર્યું હતું. ગાંધીધામમાં એસ.સી.આઈ. કોલોનીમાં રહેનાર અર્જુન વર્માનું ગઈકાલે મોત થયું હતું. યુવાન ગઈકાલે સવારે ઘરેથી નિકળ્યો હતો અને ખોડિયાર નગર નજીક રમણચોરાયા  પાસે પહોંચ્યો હતો. જ્યાં તે વિજ થાંભલાના વાયરને અડી જતાં તેને વિજ શોક લાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન સમી સાંજે તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ રાપરના બામણસર નજીક તા. 20/6ના સાંજના અરસામાં જીવલેણ બનાવ બન્યો હતો. ગામમાં રહેનાર સાહિસ્તા અને શકિના ખેતરમાંથી ઘરે આવવા પગપાળા જઈ રહી હતી. જેમાં એકતા હોટલની સામે પહોંચ્યા બાદ શકિના માર્ગ ઓળંગી ગઈ હતી જ્યારે સાહિસ્તા માર્ગ ઓળંગવા જતાં બાઈક નંબર જી. જે. 02-બીજી 8518ના ચાલકે બાળકીને હડફેટમાં લેતા બાળકી તથા બાઈક ચાલક અરવિંદ દેવશી કોળીને પણ ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલી બાળકીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બાઈક ચાલક વિરુદ્ધ બાળકીના પિતા રહીમ ફતેમામદ સમેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે નખત્રાણા તાલુકાના ખાંભલા ખાતે રહેતી 24 વર્ષીય યુવતી હરખુબેન ભીખાભાઈ રબારીએ તા. 1/7ના અડધી રાતે 1.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા ગટગટાવી લેતા તેના ભાઈ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બાદ પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ત્યાં પણ ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. નખત્રાણા પોલીસે આજથી લાગુ પડતી નવી કલમ એટલે કે બી એન એસ એસની કલમ 194 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang