• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ભચાઉ નજીક બુટલેગરે પોલીસ ઉપર જીપ ચડાવી

ગાંધીધામ, તા. 1 : ભચાઉ નજીક ઓવરબ્રિજ નીચે પોલીસના બે વાહનોમાં પોતાનું વાહન ભટકાવી બાદમાં ફોજદાર સહિત પોલીસકર્મીઓને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કુખ્યાત બુટલેગરે કર્યો હતો. બાદમાં પાલીસે તેને રોકવા ફાયરિંગ કરી વાહનમાંથી બુટલેગર તથા ગાંધીધામ સી.આઇ.ડી. ક્રાઇમમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હતી. વાહનમાંથી પોલીસે દારૂ જપ્ત કર્યો હતો. બંનેને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. પૂર્વ કચ્છ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર દવે ભચાઉ બાજુ હતા, દરમ્યાન કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ સામખિયાળીથી ગાંધીધામ બાજુ જઇ રહ્યો હતો, ત્યારે કર્મી તથા વિનોદ પ્રજાપતિ પોતાના ખાનગી વાહનથી તેનો પીછો કરી રહ્યા હતા અને એલસીબીની ટીમને જાણ કરી બાદમાં સ્થાનિક ભચાઉની પોલીસને જાણ કરી શખ્સને રોકવા કહ્યું હતું. તેવામાં બનાવના ફરિયાદી પીએસઆઇ ડી.જી. ઝાલા અને મોહન સોનારા ઇકો ગાડી લઇને નીકળ્યા હતા. તેમણે બિન્દુભા જાડેજા  અને વિષ્ણુ ગઢવીને ફોન કરતાં તેઓ પણ ખાનગી વાહનથી નીકળ્યા હતા. તમામ વાહનો ભચાઉ બાજુથી ગાંધીધામ તરફ જતાં રોડ ઉપર દોડયા હતા. દરમ્યાન ભચાઉથી કિ.મી. દૂર ગોલ્ડન ઇગલ હોટેલની સામે ઓવરબ્રિજ નીચેના ભાગે સર્વિસ રોડ ઉપર સફેદ રંગની થાર ગાડી આવતાં ચંદ્રશેખર અને વિનોદ પ્રજાપતિએ ખાનગી વાહનથી થાર ગાડીને રોકવા જતાં  થારમાં સવાર બુટલેગર તેમની ગાડીને ટક્કર મારી હતી. બાદમાં નાસી જવા માટે ગાડી રિવર્સમાં લઇ પાછળ ઊભેલી કાર જેમાં પોલીસકર્મીઓ સવાર હતા તેમાં થાર ભટકાવી હતી. ઇકો ગાડીમાં આવેલા ફરિયાદી પીએસઆઇ અને મોહન સોનારા ગાડીમાંથી નીચે ઊતરી ડંડા અને હાથના ઇશારા વડે બુટલેગરને રોકવાની કોશિશ કરતાં તેણે તીવ્ર ગતીએ ગાડી હંકારી તેમના ઉપર ગાડી ચડાવી તેમને મારી નાખવાની કોશિશ કરી હતી. દરમ્યાન પીએસઆઇએ સ્વબચાવમાં બંદૂક કાઢી થાર ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, તેવામાં બુટલેગર ઊભો રહી જતાં તેને પોલીસે ઘેરી લીધો હતો, પરંતુ બુટલેગરએ દરવાજો ખોલ્યો નહોતો. બાદમાં તે નાસવા જતાં પોલીસે બળ પ્રયોગનો ઉપયોગ કરી ચીરઇના બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડી પાડયો હતો. ગાડીમાં ગાંધીધામ સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવનાર નીતા વશરામ ચૌધરી નામના મહિલા પોલીસકર્મી હાજર મળી આવ્યા હતા. ગાડી થાર નંબર જી.જે. -39-સી..-1919 જેની પાછળ ચૌધરી લખેલ હતું તેમાંથી યોગેશ ગણપત લિંબાચિયાની આર.સી. બુક મળી આવી હતી. થારમાંથી બકાર્ડી સુપરની 275 મિ.લિ.ની 16 બોટલ તથા ટુબર્ગ બીયરના બે ટીન મળી આવ્યા હતા. પકડાયેલા નામીચા બુટલેગર વિરુદ્ધ અગાઉ એટ્રોસિટી, હત્યાની કોશિશ સહિતના 17 જેટલા ગુના નોંધાયેલા છે. થાર ગાડીમાં બુટલેગર સાથે હાજર મળી આવેલા મહિલા પોલીસકર્મી રીલ્સ બનાવવાના પ્રકરણમાં અગાઉ ચર્ચામાં આવી હતી. મહિલા પોલીસ ખાતામાં છે અને કાયદાના જાણકાર હોવા છતાં બુટલેગર સાથે રહી તેને પોલીસને જોઇ રોકવાની જગ્યાએ સાથ આપી ગુનામાં મદદગારી કરી પોલીસકર્મીઓને મારી નાખવાની કોશિશ કરી હતી. બંનેને પકડી પાડી પોલીસની હત્યાની કોશિશ તથા દારૂનો અલાયદો ગુનો નોંધવામાં આવ્યો હતો. બંનેને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરાતાં રિમાન્ડ મંજૂર થયા નહોતા અને બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang