• ગુરુવાર, 04 જુલાઈ, 2024

કેદારનાથ મંદિર પાસે હિમસ્ખલન

નવી દિલ્હી, તા. 30 : દેશભરમાં સતત વરસાદ વચ્ચે રવિવારે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પાસે હિમસ્ખલન થયું હતું. મંદિરની પાછળની ટેકરી પર ગાંધી સરોવર પર બરફનો મોટો હિસ્સો સરક્યો હતો. જો કે કોઈ જાનહાનિ થઈ નથી. પહેલાં શનિવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર વધવાને કારણે 8 વાહનો તણાઈ ગયાં હતાં. વરસાદનાં પગલે યુપી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ બીજીતરફ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદમાં એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો. પુલ ગિરિડીહના દેવરી બ્લોકમાં અર્ગા નદી પર 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો. પરંતુ, શનિવારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો. રવિવારે પુલનો ગર્ડર તૂટીને નદીના જોરદાર પ્રવાહમાં પડી ગયો હતો. હવામાન વિભાગનો અંદાજ છે કે ચોમાસું ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આગળ વધ્યું છે. હવે માત્ર પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનના ભાગો બચ્યા છે. સામાન્ય રીતે ચોમાસું 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. નોંધનીય છે કે, દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં વરસાદમાં 11 લોકોનાં મોત થયાં છે. 29 જૂને પણ 6 મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં ચાર બાળકો, એક યુવક અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. સાથે એઈમ્સના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓખલામાં પાણી ભરેલા અંડરપાસમાંથી 60 વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધનો મૃતદેહ છેલ્લા 24 કલાકથી અહીં હતો. તેમજ, આઉટર ઉત્તર દિલ્હીમાં, પાણીમાં ગરકાવ અંડરપાસમાંથી બે છોકરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતાઓ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang