• મંગળવાર, 02 જુલાઈ, 2024

માંડવીનો કોલેરા ઉપદ્રવ બને એ પહેલાં જ ડામી દઇએ

ચોમાસામાં પાણીજન્ય રોગો સ્વાભાવિક છે, પરંતુ વિધિવત ચોમાસું બેસે એ પહેલાં જ માંડવી વિસ્તારમાં કોલેરાના કેસો દેખાતાં આરોગ્ય તંત્ર ચોંકી ઊઠે એ સ્વાભાવિક છે. દેશી ભાષામાં કોગળિયું, હિન્દીમાં હૈઝા તરીકે ઓળખાતી આ બીમારી 19મી સદીમાં દુનિયા માટે ગંભીર સંકટ બની હતી. હજારો લાખો લોકો તેના ભોગ બન્યા છે. તબીબી શોધખોળને પગલે રસીકરણ શરૂ થતાં ભારતને સંબંધ છે ત્યાં સુધી મહદ્અંશે કોલેરા નિયંત્રણમાં આવી ગયો છે. ઉનાળા-ચોમાસાના સમયગાળામાં ગુજરાતમાં આણંદ, ગાંધીનગર વિસ્તારમાં કોલેરા નોંધાતો રહ્યો છે. આ રોગચાળો મોટાભાગે સ્વચ્છતા અને ખાનપાન સંબંધિત કુદરતી હોનારત પછી સર્જાતા પ્રશ્નો વખતે પણ કોલેરાનાં લક્ષણો બહાર આવે છે. આફ્રિકી દેશ હૈતીમાં કોલેરાએ માથું ઊંચક્યું હતું. 1998ના કંડલા વાવાઝોડાં વખતે સંખ્યાબંધ કેસ નોંધાયા હતા. માંડવી કોલેરાગ્રસ્ત જાહેર થતાં ગુજરાતના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ દોડી આવ્યા છે અને યુદ્ધના ધોરણે સ્વચ્છતા, સારવાર સહિતનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. મળતા હેવાલ મુજબ માંડવી નગરમાં પેયજળની ગંદા પાણીની ભેળસેળવાળી પાઈપલાઇન શોધીને બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકાએ હાથ ધરી છે, એ ઉપરાંત ગંદકી ફેલાવતા વિસ્તારોમાં સાફસફાઇ હાથ ધરવામાં આવી રહી છે. તંત્રના કહેવા મુજબ પરિસ્થિતિ નિયંત્રણ બહાર નથી. ઝાડા-ઉલ્ટીના છુટા છવાયા કેસ નોંધાઈ રહ્યા છે, છતાં કોલેરા એક એવી બીમારી છે જેને જરાય હળવાશથી ન લઇ શકાય. તેના જંતુ ખૂબ ઝડપથી ફેલાય છે અને યોગ્ય સારવાર ન થાય તો દર્દી મરણતોલ બની જાય છે. ગુજરાત અને દેશમાં સ્વચ્છતા મિશનના કાર્યક્રમો ચાલે છે. ઘર-ઘર નળ યોજનાના દાવા થાય છે. નગરપાલિકાઓના વહીવટ માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે, તેમ છતાં નાગરિક સુવિધાઓની ગુણવત્તા અને એ પ્રત્યે સંબંધિત તંત્રના અભિગમની પોલ માંડવીના કિસ્સાથી પાધરી થઇ છે. યોગાનુયોગ ગુરુવારે મુંદરાના છાત્રાલયમાં કેટલીક છોકરીઓની તબિયત બગડવાના હેવાલ આવ્યા અને ગાંધીધામમાં પણ કોલેરાના શંકાસ્પદ લક્ષણો જણાતાં આરોગ્ય તંત્રએ દોડધામ આદરી છે. હજુ બે વર્ષ પહેલાં જ કોરોના મહામારીમાંથી માંડ છુટકારો થયો છે. કોરોનાના ફટકાના સોડ હજુએ દુઝી રહ્યા છે ત્યારે કચ્છને કે દુનિયાને બીજી કોઇ મહામારી પાલવે તેમ નથી. કોરોના વિદેશી વાયરસની દેન હતી, જ્યારે કોલેરા માટે સ્થાનિક ગાફેલિયત કે ગંદકી જ જવાબદાર છે. આવી પરિસ્થિતિ નિવારવા માટે આપણે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. એ સાથે સુધરાઇ પંચાયતોએ પણ નાગરિક સુવિધાઓની અધૂરપ દૂર કરીને લોકો પ્રત્યેની જવાબદારી નીભાવવી જોઇએ. દૂષિત પાણી બહાર વહેતી ગટર એ માંડવી જ નહીં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ દરેક નગરોની ગંભીર સમસ્યા છે. પાણી વિતરણ વખતે નળમાંથી માટીવાળું કે કયારેક ગટરની બદબૂવાળો પાણી પુરવઠો મળવાના બનાવ અવારનવાર બહાર આવે છે. નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાય એ ગંભીર બાબત છે. કચ્છમાં વરસાદી સિઝનની હજુ શરૂઆત જ છે. પાણીજન્ય, જંતુજન્ય રાગચાળો વકરે એવા દિવસોમાં આરોગ્ય તંત્રએ યુદ્ધના ધોરણે પગલાં લેવાં રહ્યાં. અત્યારે માંડવી જ કોલેરાગ્રસ્ત જાહેર થયું છે, બીજા નગરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અગમચેતી રૂપે પગલાં લેવાવાં જોઇએ. ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ કરીને આરોગ્યલક્ષી ઉપાય કરવાની વિશેષ જરૂર છે અને  સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણે નાગરિકોએ પણ પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી પડશે. ઘરમાં અને ઘરોની આસપાસ સ્વચ્છતા જળવાય, બજારુ ખાદ્યચીજોનો ત્યાગ કરીને શુદ્ધ-સાત્ત્વિક ખોરાક જ લઇએ એ જરૂરી છે. કોલેરાની ઘટનાને લાલબત્તી માનીને કચ્છ આખું સ્વચ્છતા-આરોગ્ય માટે સજાગ બને એ સમયનો તકાજો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang