• ગુરુવાર, 04 જુલાઈ, 2024

હિન્દુ ધર્મ મુદ્દે રાહુલનાં વિધાનોથી સંસદમાં હોબાળો

નવી દિલ્હી, તા. 1 : સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણની આભાર-પ્રસ્તાવની ચર્ચામાં આજે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ, નીટની પરીક્ષામાં ગેરરીતિથી માંડીને અગ્નિવીર યોજના સહિતના મુદ્દે એનડીએ સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી, પણ દરમિયાન શિવજી, અભયમુદ્રા, સાપ અને ત્રિશૂલ સહિતના પાવન પ્રતીકોના આધારે રાહુલે હિન્દુ ધર્મ વિશે શીખ આપતી ટિપ્પણીઓ કરતાં ભારે હોબાળો મચી ગયો છે. રાહુલે કહ્યું હતું કે, પોતાને હિન્દુ ગણાવનાર લોકો હિંસા આચરે છે, જેની સામે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં સ્થાને ઊભા થઈને વાંધો ઉઠાવ્યો ત્યારે રાહુલે કહ્યું હતું કે, ભાજપના લોકોએ હિન્દુઓનો ઠેકો લીધો નથી. પોતે ભાજપની વાત કરી રહ્યા છે, હિન્દુઓની નહીં. રાહુલનાં વિધાનોને લઈને ભારે હંગામો મચી ગયો હતો, જેમાં વડાપ્રધાન મોદીથી માંડીને ગૃહમંત્રી અમિત શાહ સહિતે રાહુલનાં વિધાનો સામે સખત આપત્તિ દર્શાવીને વખોડી કાઢ્યા હતા. લોકસભામાં આજે રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કર્યું તે સાથે સદનમાં ભારત માતાના જયકાર અને મોદી-મોદીના નારા શરૂ થઈ ગયા હતા, જેની સામે રાહુલે સ્મિત આપતાં જય સંવિધાન કહ્યું હતું. રાહુલે કહ્યું કે, તેમણે દેશના લોકો સાથે મળીને બંધારણની રક્ષા કરી છે. રાહુલે આરોપ ઐમૂક્યો હતો કે, છેલ્લા ઘણા સમયથી બંધારણ ઉપર સુનિયોજિત હુમલા થઈ રહ્યા છે. અમારામાંથી ઘણા ઉપર તો વ્યક્તિગત આક્રમણ પણ થયા છે. વિપક્ષના ઘણા નેતાઓ જેલમાં છે. મારા ઉપર પણ 20થી વધુ કેસ, બે વર્ષની કેદની સજા અને મને ઘરમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો. મીડિયા દ્વારા પણ સતત મારા ઉપર હુમલા થતા રહ્યા. આટલું નહીં ઈડી દ્વારા પંચાવન કલાકની મારી પૂછપરછમાં પણ ઘણી મજા આવી હતી ! રાહુલે આજે લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન ભગવાન શિવજીની તસવીર દેખાડી હતી, જેને પગલે સ્પીકર ઓમ બિરલાએ તેમને ટોક્યા હતા, જેથી નિયમાવલી કાઢીને રાહુલે આગળ કહ્યું હતું કે, શું અમે શિવજીની તસવીર પણ દેખાડી શકીએ ? મારી પાસે તો વધુ ચિત્રો પણ છે. જે હું બતાવવા માગતો હતો, આવું કહીને રાહુલે અનેક ભગવાનોની તસવીરો દેખાડી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલે શિવજીનો ફોટો બતાવતાં કહ્યું હતું કે, ભગવાન શિવમાંથી મને વિપરિત સંજોગોમાં સંઘર્ષની પ્રેરણા મળી છે. શિવજીના ગળામાં સાપ છે જે વિપત્તિઓ સામે પણ અડગ રહેવાની પ્રેરણા આપે છે. તેમના ડાબા હાથમાં ત્રિશૂલ અહિંસાનું પ્રતીક છે. જો જમણા હાથમાં હોત તો તેઓ પ્રહાર કરવાની સ્થિતિમાં હોત, પણ એવું નથી. આવી રીતે અમે પણ અહિંસા સાથે ઊભા છીએ. અમે સાચાની રક્ષા કરી છે અને તે પણ હિંસા વિના. જો તમે ભગવાન શિવની છબિ જુઓ તો ખ્યાલ આવશે કે હિન્દુ ક્યારેય ડર કે નફરત ફેલાવી શકે નહીંરાહુલે આગળ કહ્યું હતું કે, અભયમુદ્રા કોંગ્રેસનું પ્રતીક છે. અભયમુદ્રા નિર્ભયતા, આશ્વાસન અને સુરક્ષાનો સંકેત આપે છે. જે ભયને દૂર કરે છે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ સહિત અન્ય તમામ ભારતીય ધર્મમાં દૈવીય સુરક્ષા અને આનંદ પ્રદાન કરે છે. આપણા મહાપુરુષોએ પણ અહિંસા સ્વીકારીને ભયને ખતમ કરવાની વાત કરી હતી, પણ જે લોકો પોતાને હિન્દુ ગણાવે છે તે ફક્ત હિંસા, નફરત, અસત્યની વાતો કરે છે. લોકો હિન્દુ હોઈ શકે. હિન્દુ ધર્મ સ્પષ્ટ કહે છે કે, સત્યની બાજુ ઊભા રહેવું અને સત્યથી ડરવું નહીં. આપણો ધર્મ અહિંસા છે અને દેશ પણ અહિંસાનો છે. રાહુલનાં વિધાનો ઉપર લોકસભામાં ભાજપના સદસ્યો તરફથી ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને રાહુલે તેમના ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, લોકો એટલે રાડો પાડી રહ્યા છે કેમ કે, તીર સીધું તેમનાં હૃદયમાં લાગ્યું છે. અમે ભાજપનો મુકાબલો અહિંસાથી કર્યો છે. રાહુલે આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન કહે છે કે, મહાત્મા ગાંધી મરી ચૂક્યા છે અને ગાંધીને એક ફિલ્મ થકી પુનર્જીવિત કરવામાં આવ્યા હતા. તેમણે આગળ કહ્યું હતું કે, હું અયોધ્યા શબ્દ બોલ્યો તે સાથે માઈક બંધ થઈ ગયું હતું. અયોધ્યાના લોકોએ ભાજપને જવાબ આપ્યો છે. આજ સુધી ત્યાંના પીડિતોને વળતર પણ મળ્યું નથી. ત્યાંની જનતામાં મોદીનો ભય છે. તેમની જમીન લઈ લેવામાં આવી અને ઘરો તોડી પાડવામાં આવ્યાં. આટલું નહીં તેમને તો મંદિરની બહાર સુધી પણ જવા દેવામાં આવ્યા નહોતા. નરેન્દ્ર મોદી તો વારાણસીના લોકોને પણ ડરાવે છે, જેને પગલે મોદીએ વચ્ચે કહ્યું હતું કે, બંધારણમાંથી મેં શીખ્યું છે કે, મારે વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવા જોઈએ. દરમિયાન જય શ્રીરામના નારા શાસકપક્ષના સાંસદો દ્વારા લગાડવામાં આવ્યા હતા. સશત્ર દળમાં પ્રવેશ માટે અગ્નિવીર યોજના ઉપર બોલતાં રાહુલે કહ્યું હતું કે, એક અગ્નિવીર જવાને બારુદી સુરંગના વિસ્ફોટમાં પોતાનો જીવ ગુમાવ્યો, પણ તેને શહીદ કહેવાતો નથી. એક યુઝ એન્ડ થ્રો મજૂર જેવી હાલત છે. અગ્નિવીરને શહીદનો દરજ્જો નથી આપવામાં આવતો, પણ હું તેને શહીદ માનું છું. જો કે, વડાપ્રધાન નથી માનતા. અગ્નિવીરને માસ તાલીમ આપવામાં આવે છે, જ્યારે ચીનના જવાનોને પાંચ વર્ષની ટ્રેનિંગ મળે છે. એક જવાનને બીજા જવાનની સામે ઊભા કરીને તેમનાં મનમાં પણ ભય ઊભો કરાઈ રહ્યો છે. એકને પેન્શન મળશે, પણ બીજાને નહીં. લોકો પોતાને દેશભક્ત ગણાવી રહ્યા છે. જો કે, રાજનાથે રાહુલને અટકાવતાં કહ્યું હતું કે, સદનમાં ખોટાને જગ્યા નથી. જૂઠી નિવેદનબાજી કરવી જોઈએ, જો ફરજ ઉપર કોઈ અગ્નિવીર પ્રાણ ગુમાવે તો તેને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે છે, જેને પગલે રાહુલે કહ્યું હતું કે, યોજનાની સચ્ચાઈ સેના જાણે છે. મણિપુર હિંસા વિશે બોલતાં રાહુલે કહ્યું હતું કે, એવું લાગે છે જાણે મણિપુર તો ભારતનો હિસ્સો નથી. અનેકવાર વડાપ્રધાનને કહેવામાં આવ્યું કે તમે કોઈ સંદેશો આપો, પણ તેઓ ત્યાં ગયા નહીં. એકવાર વડાપ્રધાને કહ્યું હતું કે, મારે ભગવાન સાથે સીધો સંપર્ક છે, આવું વડાપ્રધાન બોલ્યા હતા, જેને પગલે ફરી એકવાર ગૃહમાં હંગામો મચી ગયો હતો. સ્પીકરે પણ રાહુલને કહ્યું હતું કે, તમારે વડાપ્રધાનનું સન્માન કરવું જોઈએ. નીટ પેપર લીક વિશે આગળ રાહુલે કહ્યું કે, નીટના છાત્રો તૈયારીમાં વર્ષો લગાડી દેતા હોય છે. તેમના પરિવાર તેમના માટે આર્થિક અને ભાવનાત્મક રીતે ઘસાય છે, પણ આજે પરીક્ષામાં કોઈને ભરોસો નથી કારણ કે, લોકો જાણી ગયા છે કે પરીક્ષા અમીરો માટે બની ગઈ છે, મેધાવી છાત્રો માટે નથી. વિપક્ષી નેતાએ આગળ કહ્યું કે, વિપક્ષને દુશ્મન માની લેવા જોઈએ. તમામ વિપક્ષી દળનો હું નેતા છું. મોટા સામે ઝૂકીને નમસ્કાર કરવા મારું કર્તવ્ય છે. સદનમાં સ્પીકરે ઝૂકવું જોઈએ. અધ્યક્ષે નિષ્પક્ષ વ્યવહાર કરવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang