• ગુરુવાર, 04 જુલાઈ, 2024

રાષ્ટ્રપતિનું અભિભાષણ : વિશ્વાસનું સમર્થન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાના સત્ર આરંભ માટે સંસદનાં બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સતત ત્રીજી વેળા ગઠિત કેન્દ્ર સરકારનું પહેલું બજેટ દૂરદર્શી અને ઐતિહાસિક હશે. એમ કહીને એમણે એનડીએની - મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં મહત્ત્વના સુધારા ઝડપથી કરનારી હોવાનો સંકેત આપ્યો છે. વડાપ્રધાન મોદીના વિશ્વાસનું સમર્થન ર્ક્યું છે. સંવિધાનનાં નામે - બહાને થતા કુપ્રચારનો જવાબ આપ્યો છે અને સામાજિક, આર્થિક સુધારાથી રાજકીય પાયો વધુ મજબૂત કરવાની ખાતરી આપી છે. સંસદનાં બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની નીતિ અને નિર્ણયોથી સંસદ અને રાષ્ટ્રને અવગત કરાવે છે, વિશ્વાસ દૃઢ બનાવે છે. ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જુલાઈમાં રજૂ થનારાં બજેટ 2024 - 25માં જટિલ આર્થિક સુધારાઓના વેગને ગતિ આપવા માટે મહત્ત્વની ઘોષણા થઈ શકે છે. સાથે રાજકીય દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ ગ્રામીણ અર્થતંત્રના સુધારા માટે પણ મહત્ત્વનાં પગલાં લઈ શકે છે. બજેટ દેશની આર્થિક અને સામાજિક સ્થિતિને પ્રભાવિત કરનારું `ઐતિહાસિક' હશે. રાષ્ટ્રપતિએ પણ સંકેત આપ્યા છે કે તેમની સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, સેવા અને કૃષિ સેક્ટરને સમાન મહત્ત્વ મળતું રહેશે. પીએલઆઈ સ્કીમો અને કારોબાર પ્રક્રિયાને સરળ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે સેમિકન્ડક્ટર હોય કે સોલાર, ઈલેક્ટ્રોનિક વ્હીકલ હોય કે ઈલેક્ટ્રોનિક ગુડ્સ, ગ્રીન હાઈડ્રોજન હોય કે બેટરીજ, એરક્રાફ્ટ કેરિયર હોય કે ફાઈટર જેટ્સ, ભારત બધાં સેક્ટરમાં પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિનાં અભિભાષણમાંથી બજેટના સંકેત પણ મળી રહ્યા છે કે અટકી પડેલા સુધારાઓને આગળ વધારવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે 25 જૂન, 1975 લાદવામાં આવેલી કટોકટી બંધારણ પર સીધો હુમલો કરતા તેને સૌથી મોટો કાળો અધ્યાય ગણાવ્યો હતો. આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. બંધારણ રચાઇ રહ્યું હતું ત્યારે પણ દુનિયામાં એવી શક્તિઓ હતી, જે ઈચ્છતી હતી કે ભારત નિષ્ફળ જાય. બંધારણ લાગુ થયા પછી પણ તેના પર અનેક હુમલા થયા, પરંતુ દેશે આવી ગેરબંધારણીય શક્તિઓ પર વિજય મેળવ્યો, કારણ કે ગણતંત્રની પરંપરા ભારતનાં મૂળમાં છે. સરકાર ભારતનાં બંધારણને ફક્ત શાસનનું માધ્યમ નથી માનતી, પરંતુ બંધારણ જનચેતનનો ભાગ બને, માટે પ્રયાસ કરી રહી છે. ઉદ્દેશ્યથી 26 નવેમ્બરને બંધારણના દિવસ તરીકે મનાવવાનું શરૂ થયું છે. તેમણે પેપર લીક અને સ્પર્ધા પરીક્ષાઓમાં કહેવાતી અનિયમિતતાનો ખાસ ઉલ્લેખ કર્યો છે. પરીક્ષાઓની સાથે નિરંતર થઈ રહેલાં ચેડાંનાં કારણે કિશોરો અને યુવાપેઢીમાં ચિંતા વ્યાપી છે. ફરિયાદો પ્રતિ સરકાર ગંભીર છે. રાષ્ટ્રપતિએ કાશ્મીરની જનતાના પ્રતિસાદને બિરદાવ્યો છે અને કહ્યું કે વખતે જમ્મુ - કાશ્મીરના લોકોએ મતદાનના રેકોર્ડ તોડીને આતંકવાદી તત્ત્વોને જડબાંતોડ જવાબ આપ્યો છે. રાષ્ટ્રપતિએ સંસદ સભ્યોને સલાહ આપી છે કે સરકારની નીતિઓનો વિરોધ કરતી વેળા સંસદીય કાર્યવાહીને બાધિત નહીં થવા દેવી જોઈએ. સંસદનો સમય મોટાભાગે ધાંધલ - ધમાલ અને શોરબકોરમાં વ્યય થતો હોય છે. રાષ્ટ્રપતિની સલાહનું સન્માન સાંસદોનું કર્તવ્ય હોવું જોઈએ. વિરોધ પોતાનાં સ્થાને છે, જ્યાં સાંસદ સહમત હોય નહીં, નારાજગી વ્યક્ત કરવી જોઈએ, પણ ગૃહમાં અનાવશ્યક ઘોંઘાટ કરવો, માત્ર વિરોધ માટે વિરોધ કરવાનું બંધ થઈ જવું જોઈએ. રાષ્ટ્રપતિનાં અભિભાષણની ટીકા વિપક્ષો કરે તે સ્વાભાવિક અને સમજી શકાય, પણ અખિલેશ યાદવ અને ખડગે જેવા સિનિયર - સંસદીય નેતાઓ રાષ્ટ્રપતિ એનડીએ સરકારનું ભાષણ વાંચે છે - એવી ટીકા કરે, તે શરમજનક છે. સંસદનાં સત્રના આરંભમાં રાષ્ટ્રપતિ - સરકારની કામગીરી વિશે વિગતવાર ભાષણ કરે છે અને તેના મુદ્દા પણ સરકારના હોય છે - પછી સંસદનાં બંને ગૃહમાં રાષ્ટ્રપતિનો આભાર માનતા પ્રસ્તાવ ઉપર ચર્ચા થાય, ત્યારે સરકારની ટીકા કરી શકાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ ફક્ત વિશ્વાસ જગાવવાનો સારો પ્રયાસ છે, પરંતુ સત્તાપક્ષની રાજનીતિને પણ સ્પષ્ટ કરે છે. એકંદરે અભિભાષણ સ્વાગત યોગ્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang