• મંગળવાર, 02 જુલાઈ, 2024

વિપક્ષી નેતા રાહુલની કસોટી

રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા છે. 2004માં લોકસભાના સાંસદ બન્યા પછી તેમની સંસદીય કારકિર્દીના બે દશકા થયા છે. પ્રથમ દસ વર્ષ વડાપ્રધાન ડો. મનમોહનસિંહની સરકાર અને પછીનો તબક્કો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. આટલો સમય સાંસદ હોવા છતાં સંસદસભ્ય તરીકે રાહુલ ગાંધી જોઈએ એટલો ગંભીર રાજકીય નેતાનો પ્રભાવ નથી પાડી શક્યા. હવે વિપક્ષ નેતા પદ લેવાથી આ ઊણપ ભરપાઈ કરવાની, વિપક્ષીઓને સંસદમાં સાથે રાખવાની તેમજ મોદીના પર્યાયી નેતા તરીકે દેશ સમક્ષ અધિક સમર્થપણે આવવાની તક અને કસોટી પણ છે. ડો. સિંહની સરકાર હતી ત્યારે રાહુલે કેટલોક સમય સંસદના ગૃહ તેમજ માનવી સંસાધન વિભાગની સ્થાયી સમિતિમાં કામ કર્યું હતું. આ પછી તેમણે વિદેશ તેમજ નાણાં ખાતાંની સમિતિમાં પણ કામ કર્યું હતું. રાહુલ ગાંધી પદભાર સ્વીકારીને પ્રત્યક્ષ શાસનનો અને સરકારી કામકાજનો અનુભવ મેળવે એવી ઈચ્છા ડો. સિંહની હતી. ત્યારે અનુકૂળતા હોવા છતાં રાહુલે તે દશકામાં એકપણ વિભાગ સ્વીકારીને કાર્યક્ષમતાથી ચલાવવાની તક કેમ ઝડપી નહીં તે પ્રશ્ન આજે પણ અસ્થાને નથી. રાહુલ ગાંધીને વિપક્ષ નેતા પદ ઉપર બેસાડીને કોંગ્રેસે એક મહત્ત્વપૂર્ણ સંકેત આપ્યો છે. વિપક્ષી સરકાર આવે તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન પદના એકમાત્ર ઉમેદવાર હશે. કોંગ્રેસે `તૃણમૂલ કોંગ્રેસ' સહિત બીજા તમામ વિરોધ પક્ષોને સંકેત આપ્યો છે. વિપક્ષ નેતા તરીકે સંયમ, ચોક્કસ દલીલો, સંસદીય ઘટકોનો યોગ્ય ઉપયોગ... એવી અનેક બાબતો તેમણે જોવી પડશે. લોકસભાના નવનિર્વાચિત સભાપતિ ઓમ બિરલાને શુભેચ્છા આપતાં રાહુલે વિરોધીઓનો અવાજ દબાવતા નહીં એવી ગર્ભિત ચેતવણી આપી છે. સભ્યોને શિસ્તમાં રાખવા એટલે સફળ કામકાજ નહીં, આ તેમનો મહત્ત્વનો મુદ્દો હતો. હવે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સાથે સંવાદ વધારવો પડશે. આદર કરવો પડશે. અનેક મહત્ત્વપૂર્ણ નિયામકોમાં વિપક્ષ નેતા પસંદગી સમિતિના સભ્ય હોય છે. સીબીઆઈના ડિરેક્ટર, લોકપાલ વગેરે નિમણૂકોમાં રાહુલનો અભિપ્રાય મહત્ત્વનો હશે. તેમને કેબિનેટ પ્રધાન પદનો દરજ્જો હશે. બંધારણીય પદ સંભાળવાની  રાહુલ ગાંધી માટે આ પ્રથમ વેળા જવાબદારી આવી છે. ભારતીય લોકશાહીની પરિપક્વતા વારંવાર સિદ્ધ થતી આવી છે. આ પરિપક્વતાને છાજે એવું પોતીકાપણું રાહુલ ગાંધી દાખવે એવી અપેક્ષા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang