• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ગાંધીધામમાં સિટીબસ નહીં બોટ સેવાની જરૂરિયાત

રમેશ ધેડા દ્વારા : ગાંધીધામ, તા. 1 : સિઝનના પ્રથમ વરસાદમાં પંચરંગી નગરમાં સમસ્યાઓની હારમાળા સર્જાઈ હતી, તેવામાં આજે સવારે દોઢ કલાક સુધી ચાલેલી વરસાદી હેલી બાદ સમસ્યાઓ મોં ફાડીને બહાર આવી હતી. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં સિટીબસ દોડાવવાને બદલે સુધરાઇ તંત્રની બોટની સવારી કરાવવાની તૈયારી હોવાની ટકોર કરાઇ હતી. ઉપરાંત ભૂવા પડી જતાં વાહનો ફસાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. ગાંધીધામ, આદિપુરમાં ગટર, પાણીની લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાના સુપરવિઝન વિના  ઠેકેદારની કોઠાસૂઝ વગરની કામગીરીએ નાગરિકોની સલામતીને જોખમમાં મૂકી દીધી હતી, જેમાં આદિપુરમાં રામબાગ રોડ પર ભૂવો પડવાથી બસ ફસાઈ જતાં તેમાં સવાર લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. સાથે-સાથે ભારતનગર, ડિવિઝન પોલીસ મથકની પાછળ આવેલી ગલી, સુંદરપુરી, જગજીવન નગર, સેક્ટર વિસ્તાર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગણેશ નગર તેમજ આદિપુરમાં જુદા-જુદા વિસ્તારોમાં જમીન ધસી જતાં રાત્રિના સમયે પસાર થવામાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ગાંધીધામના અનેક વિસ્તારોમાં કાદવ-કીચડની સમસ્યાથી  સર્જાયેલી પરિસ્થિતિથી લોકોની હાલત કફોડી બની હતી. પ્રિ-મોન્સૂનની કામગીરી ફોટો પડાવવા પૂરતી રહી હતી. વરસાદી જળનો નિકાલ કરવા માટે ગટરની ચેમ્બર ખોલવાની જરૂર પડી હતી, જ્યારે શક્તિ નગરમાં ગટરનાં પાણીનું તળાવ ભરાઈ ગયું હતું. અગાઉ પણ અહીં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેમાં દેડકા, માછલીઓનું આગમન થયું હતું, ત્યારે દૂષિત પાણીથી જળચર જીવસૃષ્ટિ મોતને ભેટવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ અસહ્ય દુર્ગંધથી આસપાસના રહીશોનાં સ્વાસ્થ્ય જોખમાવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ જવા માટે તો જાણે બોટની સવારી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે દર વખતની જેમ ચાવલા ચોકમાં જળભરાવથી રસ્તા અદૃશ્ય થઈ ગયાં હતાં. નગરપાલિકા દ્વારા નવું વરસાદી નાળું બનાવાયું હતું, પરંતુ સુવિધાને બદલે દુવિધા ઊભી થઈ હતી. કેટલાંક સ્થાનોએ ઢાંકણા પણ રાખવામાં આવ્યાં નથી, જેને પગલે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે. નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે રોડ બનાવવા કોન્ટ્રાક્ટ આપી દેવાયા હતા, પરંતુ પ્રક્રિયામાં દેખરેખ રખાતા રસ્તા ઊંચા થઈ ગયા છે. તો કેટલાંક સ્થળોએ રોડની સાઈડમાં પૂરાણ પણ થયું નથી. પરિણામે મહેશ્વરીનગર, ડીસી-5, સુંદરપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ઘરોમાં ઘૂસી ગયાં હતાં. વરસાદ પહેલાં ભારતનગર વેપારી સંગઠન દ્વારા સુધરાઇ પ્રમુખને પાણી પહેલાં પાળ બાંધવાની સલાહ અપાઈ હતી, પરંતુ બાબતને ધ્યાને લેવાઈ નથી, જો યોગ્ય રીતે વરસાદી નાળાંઓની સફાઈ થઈ હોત અને લાઈનો નાખવા માટે ખોદાયેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરાયા હોત, તો આંશિક રાહત થાત, પરંતુ હાલે સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે, તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી, ત્યારે વરસાદી ઋતુની તો હજુ શરૂઆત છે, આગામી સમયમાં ભારે મુસીબત ઊભી થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેથી નગરપાલિકા દ્વારા હજુ પણ ગંભીરતા નહીં દાખવાય, તો શહેર નર્કાકાર હાલતમાં ફેરવાઈ જવાની સંભાવના લોકો દ્વારા સેવાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang