• ગુરુવાર, 04 જુલાઈ, 2024

પ્રતિબંધિત ચોખાની નિકાસ કરતા 40 કન્ટેનરોની અટક

મુન્દ્રા, તા. 1 : મુદ્રા પોર્ટ પર પ્રતિબંધિત લાલ રેતી `ગારમેન્ટ' ના 24 જેટલા કન્ટેનર અટકાવાયાના હેવાલોના બીજા દિવસે હવે કસ્ટમે ક્લિયર કરી નાખેલા પરંતુ નિકાસ પ્રતિબંધિત નોન બાસમતી ચોખાની નિકાસ થઈ રહી હોવાની શંકાના આધારે ડી.આર.આઈ. લગભગ 40 જેટલા કન્ટેનરોને અટકાવી દિધાના અહેવાલ સાંપડયા છે. સૂત્રો ચોંકાવનારા દાવા મુજબ, મુન્દ્રા પોર્ટ પર બાસમતી ચોખાની આડમાં સેલ્ફ સાલિંગ કન્ટેનરો ભરી ધૂમ પ્રમાણમાં નોન બાસમતી તથા પ્રતિબંધિત સફેદ ચોખાની નિકાસ થઈ રહી છે. બંદરેથી દર મહિને લગભગ 5000 જેટલા કન્ટેનરોની નિકાસ ગલ્ફના જુદા જુદા દેશોમાં થાય છે. જેમાં સેલ્ફ સીલીંગ પ્રણાલીનો લાભ લઇ કેટલાક લેભાગુ નિકાસકારો પ્રતિબંધિત ચોખાની ગેરકાયદે નિકાસ કરી રહ્યા છે અને કરોડોની ડ્યુટી ચોરી કરી રહ્યાનો દાવો સૂત્રો કરે છે. રાત્રે મળતી માહિતી મુજબ, ચોખાના એક મોટા ગજાના નિકાસકારે તેમના કસ્ટમ બ્રોકર દ્વારા ચાર જુદા જુદા શાપિંગ બિલ દ્વારા 40 જેટલા બાસમતી ચોખાના કન્ટેનર સેલ્ફ સાલિંગ દ્વારા મુન્દ્રાથી ગલ્ફ દેશોમાં નિકાસ માટે મોકલ્યા હતા. જેમાં શિપમેન્ટમાં સિસ્ટમ દ્વારા ચેક પેકેટ અંતર્ગત માલનું પરીક્ષણ ઓર્ડર આવેથી પ્રિવેન્ટીવ કસ્ટમ અધિકારીએ ચકાસણી કરી ક્લિયરન્સ આપ્યું હતું. પણ, ગાંધીધામ ડીઆરઆઇને મળેલી પૂર્વ બાતમીના આધારે તથા બાજ નજર રાખી રહેલી ડી. આર. આઈ. શિપમેંટ ક્લિયર કરવા જણાવ્યું હતું. બાતમીમાં બાસમતી ચોખાની આડમાં નોન બાસમતી ચોખાની નિકાસનો ઉલ્લેખ કરવા છતાં સ્થાનિક કસ્ટમે ક્લિયરન્સ આપી દીધું, એથી ડીઆરઆઈની ટીમ સ્થાનિક મુન્દ્રા ધસી આવી અને તમામ 40 જેટલા કન્ટેનરનો કબજો લઈ તેમાં સેમ્પલની ચકાસણી અર્થે મોકલ્યા હોવાનું જાણકારો ઉમેરે છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના નોટિફિકેશન નંબર 49/2023 અનુસાર બાસમતી ચોખાની નિકાસ પર કોઈ ડ્યુટી નથી. જ્યારે નોન બાસમતી પારાઓઇલ ચોખા પર 20 ટકા જેટલી ડ્યુટી ભર્યા પછી નિકાસ કરી શકાય તથા તેની કિંમત રૂ. 40 થી ઉપર હોવી જોઈએ, એવી શરત છે. જ્યારે સફેદ ચોખા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. અટકાવેલા કન્ટેનરમાં કયા પ્રકારના ચોખા છે તે સત્તાવાર રિપોર્ટ આવેથી ખબર પડશે. કસ્ટમના એક પ્રિવેન્ટીવ ઓફિસરે ક્લિયરન્સ આપ્યાની જાણ થતા તેની પાસેથી ચાર્જ લઈ લેવાયો છે, પણ સસ્પેન્ડ કરાયા નથી. અંગે સમગ્ર મામલે તપાસ ચાલતી હોવાનું નામ નહીં આપવાની શરતે અધિકારીઓ કહે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી કસ્ટમ તેમજ અને એજન્સીઓ દ્વારા હોલ્ડ કરાયેલા કન્ટેનરો મુન્દ્રા કસ્ટમના અધિકારીઓ બેધડક પણે ક્લિયર કરી રહ્યાના બનાવ બની રહ્યા છે. જેમાં ચોક્કસપણે કહીશ શકાય તેવી અત્યાર સુધીમાં ફક્ત એક કિસ્સામાં એક અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. પણ, આવા ભ્રષ્ટ અધિકારીને કારણે પ્રતિબંધિત માલ નિકાસ થઈ રહ્યો છે અને દેશની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. નીચલા વર્ગના અધિકારીઓને છાવરતા ઉચ્ચ વર્ગના અધિકારીઓ વિરુદ્ધ પગલાં નહીં લેવાય તો ભારત સરકારે પ્રતિબંધિત કરેલી ચીજોની દેશમાં અછત વર્તાશે, અથવા ભાવ વધારો થશે. જોકે, બાબતે ડી. આર. આઈનાં અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓએ ફોન ઉચકયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang