• ગુરુવાર, 04 જુલાઈ, 2024

કચ્છમાં એન.ડી.આર.એફ.ની ટીમ સજ્જ

ભુજ, તા. 1 : કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ સતર્ક છે, ત્યારે વરસાદને પગલે આપત્તિને પહોંચી વળવા સાવચેતીનાં પગલાં સ્વરૂપે એન.ડી.આર.એફ.ની એક ટુકડી કચ્છ આવી પહોંચી હતી. 30 જવાનની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ટીમ લીડર શ્રી લખનની આગેવાની હેઠળ આવી પહોંચી હતી. અત્યારે ટીમને યક્ષ મંદિરમાં તૈનાત રાખવામાં આવી હોવાનું કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે એન.ડી.આર.એફ.ની ટીમ આવી જવાથી કોઈ પણ નાગરિકોને ગભરાવાની જરૂર નથી. ભયથી દૂર રહેવું. કેમ કે, સાવચેતીનાં પગલાંરૂપે કચ્છમાં ભારે વરસાદની આગાહીના કારણે રાજ્ય ડિઝાસ્ટર વિભાગ તરફથી ટીમ મોકલવામાં આવી છે. કચ્છનો વિસ્તાર મોટો અને એન.ડી.આર.એફ.નું વડું મથક ગાંધીનગર હોવાથી દૂરથી ઓચિંતી ટીમને પહોંચતાં સમય લાગે એટલે આવા સંજોગોમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજાગ હોવાથી આગોતરી તૈયારીના ભાગરૂપે ટીમ આવી પહોંચી છે. દરમ્યાન, ડિઝાસ્ટર નાયબ મામલતદાર ડી.કે. ચૌધરીના જણાવ્યા પ્રમાણે 30 માણસની કંપનીને યક્ષ મંદિરમાં ઉતારો આપવામાં આવ્યો છે. બાકી અત્યારે આજે સોમવારે કચ્છ રેડઝોનમાં આવે છે, એટલે કોઈ ખામી રહી જાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. ટીમ માટે એસ.ટી. બસ વગેરેની વ્યવજ્ઞા પણ કરવામાં આવી છે. મંગળવારથી ઓરેંજ ઝોન દર્શાવે છે, છતાં તમામ સ્તરે સાવચેતી રાખવી અને નાગરિકોને પણ તકેદારી રાખવી જરૂરી છે એમ જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang