• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ભુજના બે યુવાન 40 લાખની નકલી નોટ સાથે મુંબઇમાં ઝડપાયા

ભુજ, તા. 1 : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે રાત્રે ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસેથી ભુજના બે યુવાનને 40 લાખની નકલી નોટ સાથે ઝડપી નકલી નોટોના બદલામાં અસલી નોટ મેળવવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. મુંબઇના સામાજિક કાર્યકર બિનુ વર્ગીસને માહિતી મળતાં તેમણે મુંબઇ ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી કે કેટલા લોકો નકલી ચલણી નોટો સાથે મુંબઇના ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસે ઊભા છે. બાતમીના આધારે ત્યાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને પકડાયેલા બે યુવાનો પાસેથી 40 લાખની નકલી નોટો મળી આવી હતી. ત્યાં પૂછપરછમાં બંને યુવાન ભુજના વતની હોવાનું જાણવા મળ્યું હતું. બંને યુવાન મુંબઇમાં કોઇ દલાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ 40 લાખની 500-500ની નકલી નોટોના બદલામાં 10 લાખની અસલી નોટોનો સોદો કર્યો હતો. નકલી નોટો પઇરાવાની રાહ જોઇ રહ્યા હતા ત્યારે દબોચાઇ ગયા હતા. નકલી નોટના કાંડમાં કચ્છના અન્ય પણ સંડોવાયેલા હોવાની પૂરતી સંભાવના છે. ઝડપાયેલા યુવાનોના નામ સહિત અન્ય વિગતો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળી શકી નથી, પરંતુ ત્યાં થયેલી કાર્યવાહીના વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang