• ગુરુવાર, 04 જુલાઈ, 2024

હાઈકોર્ટના આદેશ બાદ મેવાસાની જમીન દબાણમુક્ત

ભુજ, તા. 1 : રાપર તાલુકાના મેવાસા ગામની સરકારી જમીન પર ભૂમાફિયાઓએ કરેલા કબજા અંગે મામલતદાર તથા કલેક્ટરને રજૂઆત બાદ પંચાયત દ્વારા હાઈકોર્ટમાં દાદ મગાઈ હતી. કોર્ટે જમીન દબાણમુક્ત કરવા આદેશ આપ્યા બાદ તંત્રએ ધાક બેસાડતી કાર્યવાહી કરી જમીન ખાલી કરાવી હતી. મેવાસાની સરકારી સર્વે નંબર 414/પૈકી 1 જમીન પર છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. જે અંગે ગામના મહિલા સરપંચ અનિતાબેન ગણેશભાઈ અનાવાડિયા તથા રાપર તાલુકા ભાજપના માજી મહામંત્રી અને ગામના આગેવાન નાનજીભાઈ દાનાભાઈ ઠાકોર ઉપરાંત સમસ્ત ગ્રામજનો દ્વારા દબાણ દૂર કરવા રાપર મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ઉપરાંત પંચાયત દ્વારા હાઈકોર્ટમાં દાદ મગાઈ હતી. કોર્ટે દબાણ દૂર કરવાના આદેશ આપ્યા બાદ તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી. મામલતદારના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર તથા ગાગોદર પોલીસના બંદોબસ્ત હેઠળ અંદાજિત 20 એકર જેટલી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે, કબજો કરનારા તત્ત્વો દ્વારા સરપંચ પતિ તથા ગામના આગેવાના શ્રી ઠાકોર પર એટ્રોસિટી સહિતની કલમો તળે ખોટી ફરિયાદો કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang