• ગુરુવાર, 04 જુલાઈ, 2024

હીરાપરના આહીર પરિવારના સહયોગથી 98 દર્દીની આંખનાં ઓપરેશન કરાયાં

ભુજ, તા. 1 : હીરાપરના કેરાસિયા પરિવારે પરિજનોના આત્મશ્રેયાર્થે તથા દીકરાઓના લગ્નને યાદગાર બનાવવાના હેતુથી ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે લગ્નખર્ચની મૂડી સેવાકાર્યમાં વાપરી 98 દર્દીનાં આંખનાં મફત ઓપરેશન કરાવ્યાં હતાં. માટે લાયન્સ હોસ્પિટલમાં 181મા મફત આંખના નેત્રમણિ કેમ્પનું આયોજન કરાયું હતું. દાતા પરિવારના જખરાભાઇએ કહ્યું કે, અમારા પરિવારના પાંચ દીકરાના લગ્નની ઉજવણી અંતર્ગત રિસેપ્શન કરવા કરતાં તે રૂપિયા માનવસેવાનાં કાર્યમાં વાપરવાનું વિચાર્યું હતું. પરિવારના સર્વે સભ્યોની સંમતિ બાદ એલએનએમ લાયન્સ હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થઇ ત્યાં કેમ્પ યોજવા નક્કી કરાયું. કેમ્પમાં દાતા પરિવારના માતા ગં.સ્વ ફુલાબેન કેરાસિયા, જખરાભાઈ કેરાસિયા, મહાદેવાભાઈ કેરાસિયા, ત્રિકમભાઇ કેરાસિયા, હરિભાઇ કેરાસિયા, શાંતિબેન કેરાસિયા, સરપંચ ડાઇબેન કેરાસિયા, કંકુબેન કેરાસિયા, ગીતાબેન કેરાસિયા, રાધાબેન કેરાસિયા તથા લાયન્સ ક્લબ ઓફ ભુજના અભય શાહ, શૈલેન્દ્ર રાવલ, નવીન મહેતા વગેરે સભ્યો આંખનાં ઓપરેશન કરાવનાર દર્દીઓના સગા તથા ડાયાલિસીસ કરાવતા દર્દીઓના સગા ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહેમાનોએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. દાતા પરિવારનું સન્માન કરાયું હતું. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે વ્યોમા મહેતા, સંચાલન પ્રફુલ્લ શાહ, સ્વાગત પ્રવચન સંજય દેસાઇ અને આભારવિધિ નવીન મહેતાએ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang