• ગુરુવાર, 04 જુલાઈ, 2024

ચૂંટણી ચર્ચામાં ટ્રમ્પ સામે બાયડન નબળા

ભારતમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયાનાં સમાપન બાદ જુલાઇમાં બ્રિટનમાં વડાપ્રધાનપદ અને નવેમ્બર મહિનામાં અમેરિકાનાં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી યોજાશે. બ્રિટનમાં પ્રચાર અસ્તાચળે છે, પણ અમેરિકામાં પ્રચારનો આરંભ હજી હમણાં થયો છે. ગયા સપ્તાહે અમેરિકાનાં સર્વોચ્ચપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે સૌ પ્રથમ લાઇવ ચૂંટણી ચર્ચા યોજાઇ તેની સાથે પ્રચાર જંગના શ્રીગણેશ થઇ ગયા છે. આમ તો બે મુખ્ય રાજકીય પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટ દ્વારા પક્ષીય રીતે ઉમેદવારની પસંદગી સંપન્ન થઇ ગઇ છે. હવે બન્ને દાવેદારો વચ્ચે સીએનએન ટીવી પર જીવંત ચર્ચા સાથે બન્ને ઉમેદવારોનાં બળાબળનાં પારખાં શરૂ થઇ ગયાં છે. પશ્ચિમી જગતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ટીવી પરની ચર્ચા ભારે મહત્ત્વ ધરાવતી હોય છે. બન્ને ઉમેદવારો સામસામે મંચ પર મેદાનમાં ઊતરતા હોય છે. એકમેકને મૌખિક દાવપેચથી પછાડવા અને પોતાની સર્વોપરિતા બતાવવા ઝનૂન સાથે ચર્ચામાં ભાગ લેતા હોય છે. વખતે સીએનએન પરની આવી પ્રથમ ચર્ચામાં બાયડન અને ટ્રમ્પ એકમેક પર છવાઇ જવા ભારે મહેનત કરતા જણાયા હતા, પણ પ્રથમ ચર્ચામાં બાયડનના દેખાવ પરથી એવી છાપ ઊભી થઇ છે કે, તેમની માટે આગળનો માર્ગ મુશ્કેલ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, મતદારો માટે તેમના ઉમેદવારના વિવિધ મુદ્દા પરના મત અને શારીરિક સજ્જતા માપવાનું માધ્યમ આવી ચર્ચા બની રહેતી હોય છે. આવામાં બાયડનની નબળાઇ છતી થતાં અમેરિકામાં મુદ્દે ભારે ચિંતા વ્યક્ત થવા લાગી છે. જો કે, તો પ્રથમ ચર્ચા હતી. હવે પછીની જીવંત ચર્ચા સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, ત્યાં સુધી સ્થિતિમાં ફેરફાર આવશે કે કેમ કોઇ કહી શકે તેમ નથી. ગયા સપ્તાહે યોજાયેલી ચર્ચા દરમ્યાન ઉઠાવાયેલા સંખ્યાબંધ મુદ્દામાં પોતાનો મત વ્યક્ત કરવામાં બાયડન અંદરથી અસ્પષ્ટ જણાયા હતા. તેઓ મુંઝાયેલા અને ઓછા આત્મવિશ્વાસવાળા જણાઇ આવ્યા હતા. હવે તો તેમની પોતાની ડેમોક્રેટિક પાર્ટીને જીત અંગેનો વિશ્વાસ જણાતો નથી. ચર્ચા દરમ્યાન ટ્રમ્પ આક્રમક હતા. તેઓ જવાબ એવી રીતે આપતા હતા કે, જેથી તમામનું ધ્યાન તેમની તરફ રહે, તો બીજી તરફ બાયડન ચર્ચામાં મુદ્દા ચાતરી જતા હતા. તેઓ જવાબ આપવામાં ખચકાતા અને અસ્પષ્ટ જણાયા હતા. ઘણી વખત તેઓ જવાબ આપવામાં ચાતરી જતા હતા. હવે તેમની પ્રચાર ઝુંબેશ ટીમ ખુલાસા કરી રહી છે કે, રાષ્ટ્રપતિ શરદીથી ગ્રસ્ત હતા. બીજી તરફ હજી અદાલત તરફથી ચૂંટણી લડવાની મંજૂરી મેળવવા મથી રહેલા ટ્રમ્પે તેમની મજબૂત હાજરી દર્શાવીને અમેરિકનોને પ્રભાવિત કર્યા હતા. તેમની આક્રમકતા અને જવાબોમાં સ્પષ્ટતાને જોતાં બાયડનની છાવણીમાં ફફડાટ અને શંકા જાગ્યાં છે. હવે તેમના વિકલ્પની પણ વાતો સામે આવવા લાગી છે. આખી દુનિયા માને છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિપદે એવા નેતા હોવા જોઇએ, જે રાષ્ટ્રીય અને વૈશ્વિક કટોકટીનો સ્વસ્થતા સાથે નિર્ણાયક રીતે સામનો કરી શકે. ખરેખર તો દેશ અને દુનિયાનાં હિતમાં 81 વર્ષના બાયડનને જો તેમની નબળાઇ નડતી હોય, તો તેમણે સ્વેચ્છાએ મેદાનમાંથી હટી જઇને સર્વોચ્ચ હોદ્દા માટે ડેમોક્રેટિક પાર્ટીને નવા ઉમેદવાર શોધવાનું કહી દેવાનો હજી પણ સમય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang