• મંગળવાર, 23 એપ્રિલ, 2024

પ્રા. શાળાના 88 જર્જરિત ઓરડા તોડી પડાશે

ભુજ, તા. 30  : તાજેતરમાં જિલ્લા પંચાયત ખાતે મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં કચ્છની 26 જેટલી પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા 88 ઓરડાને તોડી પાડવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે, 756 નવા કલાસરૂમ બનાવવાનીયે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાના ચેરમેન જયાબેન ચોપડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી શિક્ષણ સમિતિની બેઠકમાં જર્જરિત બનેલા ઓરડાઓને તોડી પાડવાના ઠરાવને સર્વસંમતિથી પસાર કરાયો હતો, જેમાં રાપર તાલુકાના પ્રાગપર, નૂતન સણવા, ઉમૈયા, ત્રંબૌ, શિવગઢ, ખાંડેક અને સઈ, અબડાસા તાલુકાના ખારુઆ, સુડધ્રો, ભુજ તાલુકાના મૌવરવાંઢ, લુડિયા, ભારાપર, મોટી રેલડી, સણોસરા, અટલનગર અને લોરિયા, ગાંધીધામના મહેશ્વરીનગર, જૂની-નવી સુંદરપુરી, કાર્ગો આહીરવાસ, ભારાપર અને કિડાણા, માંડવી તાલુકાના મોઢવા, લખપત તાલુકાના સાનધ્રો વાંઢ તથા નખાત્રણા તાલુકાના વ્યાર ગામની પ્રાથમિક શાળાના ઓરડાનો સમાવેશ થાય છે. જો કે, જિલ્લા પંચાયતની રોયલ્ટીની ગ્રાન્ટ તેમજ નાણાપંચ તથા સર્વશિક્ષાની ગ્રાન્ટમાંથી કચ્છના દસે તાલુકમાં 756 નવા ઓરડા બનાવવાનીયે મંજૂરી અપાઈ છે, જેમાં અબડાસા તાલુકામાં 42, અંજારમાં 49, ભચાઉ 124, ભુજ 116, ગાંધીધામ તાલુકામાં 33, લખપત 14, માંડવી 53, મુંદરા 54, નખત્રાણા 128 અને રાપર તાલુકામાં 143 નવા ઓરડા બનાવાશે. આ પૈકી 83 ઓરડાની કામગીરી ચાલુમાં છે, જ્યારે 673ના વર્કઓર્ડર અપાઈ ગયા હોવાનું શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડાએ જણાવ્યું હતું. આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, સમિતિના સભ્યો જનકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મનીષાબેન પટેલ, કૈલાસબેન ભટ્ટ, પુરુષોત્તમ મારવાડા અને કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang