• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

દીનદયાલ પોર્ટે સર્વાધિક 10.5 ટકા વૃદ્ધિ હાંસલ કરી

ગાંધીધામ, તા. 27 : દેશના અગ્ર હરોળના મહાબંદર કંડલા દ્વારા 76મા ગણતંત્ર દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના તર્જ ઉપર ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ભારતની સંસ્કૃતિને દર્શાવતા વિવિધ ટેબ્લોના પ્રદર્શનથી પોર્ટ કોલોની ગોપાલપુર ખાતે કર્તવ્યપથનો માહોલ સર્જાયો હતો. વિવિધ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ વેળાએ દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ મેળવેલી સિદ્ધિઓ અને ભાવિ આયોજન અંગેનો ખ્યાલ પોર્ટના અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યો હતો. વિકસિત ભારત, વિકસિત કંડલાના સૂત્ર સાથે ગોપાલપુરી સ્ટેડીયમ ખાતે યોજાયેલા ગણતંત્રદિનના અનોખા સમારોહના આરંભે ડી.પી.એ ચેરમેને સુશિલકુમાર સિંઘના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક વકતવ્ય આપતા પોર્ટ અધ્યક્ષે સૌને 76મા ગણતંત્રદિનની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, આજનો દિવસ આપણા દેશની ગૌરવશાળી યાત્રાની યાદ અપાવે છે. તેમણે સ્વાંત્ર્ય સેનાનીઓને, સંવિધાન નિર્માતાઓને  વંદન કર્યા હતા. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ઉલબ્ધીઓ વર્ણવતા ચેરમેન શ્રી સિંઘે જણાવ્યું હતું કે, પોર્ટે માત્ર ભારના જ સમૂદ્રી ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં પોર્ટે 10.5 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ હાંસલ કરી છે, જે ભારતના તમામ મહા બંદરગાહોમાં સર્વાધિક છે. ગત વર્ષની તુલનામાં લગભગ 50 દિવસ પહેલાં જ 110 મિલિયન મેટ્રિક ટનનો આંકડો પાર કર્યો હોવાનું અને એક મહિનામાં 354 જહાજ  હેન્ડલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હોવાનું કહ્યું હતું. પ્રથમ છ વખત 10,000 ટી.ઈ.યુ ક્ષમતાવાળાં જહાજ, એમ.વી મુંદરા  એક્સપ્રેસને બર્થ કરી એક જ જહાજમાં 5,68 ટી.ઈ.યુ કન્ટેનરનો રેકોર્ડ હાંસલ કર્યો હોવાની માહિતી આપી હતી. પોર્ટનો હેતુ માત્ર આર્થિક વિકાસ પૂરતો સીમિત  ન રહી સામાજિક જવાબદારી નિભાવવા માટે પણ કટિબદ્ધ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પોર્ટ દેશ અને ક્ષેત્રની આર્થિક પ્રગતિમાં  મહત્ત્વપૂર્ણ  યોગદાન આપી રહ્યું છે તે બદલ તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રધ્વજને સલામી અપાયા બાદ સી.આઈ.એસ.એફ., અગ્નિશમન દળ, ભારતીય વિદ્યામંદિર કંડલાના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચપાસ્ટ રજૂ કરાઈ હતી. ટેબ્લો પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. માર્ગમ ડાન્સ અકાદમી દ્વારા હેરિટેજ કચ્છ, અને કાશ્મીરની સુંદરતા, કચ્છ આંધ્રા અભ્યુદ્યા સેવા સમાજ દ્વારા લીપાક્ષી ટેમ્પલ, અંજારની નાટયાલય સંસ્થા દ્વારા આસામની કૃતિ, કેરેલા સમાજ દ્વારા કેરેલા પ્રવાસન, જય મહારાષ્ટ્ર ગ્રુપ દ્વારા શિવાજી મહારાજનો દરબાર, જય જગન્નાથ ઉડિયા સમાજ દ્વારા જગન્નાથ મંદિર, પંજાબી શીખ સમાજ દ્વારા ગોલ્ડન ટેમ્પલ મંદિર, અગ્રવાલ સમાજ દ્વારા રાજસ્થાની સંસ્કૃતિ, કચ્છ તામીલ વેલ્ફેર એસોસીએશન દ્વારા તામીલનાડુના પ્રખ્યાત મંદિરોબેંગાલી એસોસીએશન દ્વારા દુર્ગા મંદિર, રામકૃષ્ણ મઠ, ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા અયોધ્યા રામ મંદિર, સી.આઈ.એસ.એફ. દ્વારા  કંડલા મહાબંદબરે કરાતી સુરક્ષા વ્યવસ્થા સહિતના ટેબ્લો રજૂ કરાયા હતા. ગ્રીન હાઇડ્રોજન ટેબ્લો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતો. આ પ્રદર્શનમાં ભારતના ગ્રીન એનર્જી લક્ષ્યોમાં યોગદાન આપવાની પોર્ટ પ્રશાસનની પ્રતિબદ્ધતા તેમજ  ગ્રીન હાઇડ્રોજન હબ બનવા તરફ બંદરની સફર દર્શાવવામાં આવી હતી, ટેબ્લો પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો તેમજ નિષ્ણાતો, રમતવીરો અને કલાકારોને  ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લા, સેક્રેટરી સી. હરિચંદ્રન, ચીફ એન્જિનીયર રવીન્દ્ર રેડ્ડીટ્રાફિક મેનેજર રત્નાશેખર રાવ, ઉપસંરક્ષક પ્રદીપ મોહંતી, તેજાભાઈ કાનગડ સહિત પોર્ટના વિભાગીય વડાઓ કર્મચારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd