અંજાર, તા. 27 : 26 જાન્યુઆરી-2001ના
વિશાનક ભૂકંપમાં પ્રભાતફેરીમાં 185 વિદ્યાર્થી સહિત કુલ 209 લોકોનાં
મૃત્યુ થયાં હતાં. આ પવિત્ર દિવંગતોની આત્માની શાંતિ અર્થે ખત્રીચોક મધ્યે
વાલીમંડળ દ્વારા શ્રદ્વાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. વાલીમંડળ દ્વારા
છેલ્લાં 24 વર્ષથી દર પ્રજાસત્તાક દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવે છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે દિવંગત
આત્માઓને શાંતિ મળે તે સંદર્ભે દીપ પ્રાગટય સાથે રામધૂન તથા ધ્વજવંદન કરવામાં
આવ્યું હતું. વાલી મંડળ વતીથી અશોકભાઈ સોની,
હરિલાલભાઈ કાપડી, જિતેશભાઈ કાતરિયા, મિતેશભાઇ બલદાણિયા, પારસભાઈ હડિયા, હરિ ભગત, શામજીભાઈ કાતરિયા, સનીભાઈ
રાઠોડ, વીરેન્દ્રભાઈ પોમલ, મીત મહેતા,
જયંતીભાઈ મેસૂરાણી, વિમલભાઈ બલદાણિયા, મહેન્દ્રભાઇ કોટક, પીન્ટુભાઈ ચંદે, માદેવા આહીર, વિમલ વાઘમશી, આશાબેન
મહેતા, મીતાબેન પલણ, નીલમબેન સોરઠિયા
સહિતના અસંખ્ય વાલીમંડળના સદસ્યોએ અશ્રુભરી આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. 24 વર્ષની
લડત બાદ જે જગ્યાએ બાળકો શહીદ થયેલા હતા તેમની કાયમી યાદરૂપે અંજારના ધારાસભ્ય
ત્રિકમભાઈ છાંગા સાથે અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેની શાહના પ્રયાસોથી આડા કચેરી 50 લાખ
રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણી વાલી મંડળમાં નવી આશાની કિરણ જાગી છે.
ખત્રી ચોક ખાતે દિવંગતોની સ્મૃતિ થનારા આ
કાર્ય આડા દ્વારા વાલીમંડળને સાથે રાખીને કામ કરવા માગણી વ્યક્ત કરાઈ હતી. આ
ઉપરાંત વીડી ચાર રસ્તા પાસે આવેલ વીરબાલ સ્મારકમાં પણ અધૂરાશોની પૂર્તતા કરવા અને
વાલીમંડળના સભ્યોને નિ:શુલ્ક પાસ આપવાની મંડળ દ્વારા માગણી કરાઈ હતી. ખત્રી ચોક
ખાતે આવેલ વીરબાલ ભૂમિ (વીરાંજલિ પાર્ક)માં મંડળ દ્વારા સ્વખર્ચે પ્રવેશદ્વાર
બનાવવામાં આવશે તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.