કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 27 : મૂળ કચ્છ-વાગડના અને ચિત્રકૂટ (એમપી)માં અંધત્વ નિર્મૂલન ક્ષેત્રે પાંચ દાયકાથી અવિરત સેવા બજાવતા ડો. બી.કે. જૈન (ડો. બુધેન્દ્ર વોરા)ને પદ્મશ્રી સન્માનની જાહેરાત થઈ છે. ડો. બી.કે. જૈન સંત રણછોડદાસજી મહારાજ દ્વારા ચિત્રકૂટમાં સ્થપાયેલા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રણિત સદગુરુ નેત્ર ચિકિત્સાલયના ડાયરેક્ટર અને ટ્રસ્ટી છે. ડો. જૈને 1970માં દાયકાની શરૂઆતમાં ચિત્રકૂટમાં તેમની સેવાયાત્રા શરૂ કરી હતી, ત્યારે 12 બેડની હોસ્પિટલ હતી અને અત્યારે 2000 બેડની હોસ્પિટલ છે, તે એશિયાની સૌથી મોટી આંખની હોસ્પિટલ છે. ડો. જૈનના નિકટના સંબંધી ઋષિ વોરાએ ચિત્રકૂટથી ટેલિફોન પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડો. જૈનના માર્ગદર્શન હેઠળ દર વર્ષે 1.55 લાખથી વધુ નેત્ર શત્રક્રિયા આધુનિક ઓપ્થેલ્મિક મોડયુલર ઓપરેશન થિયેટરમાં સફળતાપૂર્વક કરવામાં આવે છે અને 1.7 મિલિયનથી વધુ દર્દી માટે નેત્રચિકિત્સા સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 130 પ્રાથમિક નેત્રચિકિત્સા કેન્દ્ર કાર્યરત છે અને દર વર્ષે 4500થી વધુ નેત્ર શિબિરો દ્વારા લાખો લોકોને સારવાર આપવામાં આવે છે. એમણે જણાવ્યું કે, ડો. જૈને પન્ના, સતના, બાંદા, હમીરપુર અને ફતેહપુરને સંપૂર્ણપણે મોતિબિંદુ બેકલોગ મુક્ત બનાવ્યા છે. ઘર-ઘર નેત્ર પરિક્ષણ અભિયાન દ્વારા આ જિલ્લાઓમાં આંખ રોગના નિદાન કરાયા છે. ડો. બી.કે. જૈને આ સન્માન માટે સંત રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદને શ્રેય આપ્યો છે અને પોતાને માત્ર સાધનરૂપ માન્યા છે. આ સિદ્ધિ માટે સદગુરુ પરિવાર સાથે જોડાયેલા સમર્પિત કાર્યકર્તાઓ, સમર્થકો અને સહયોગીઓના અવિરત પ્રયાસોનું પરિણામ ગણાવ્યું છે. ડો. જૈને કહ્યું કે, આ અવસરે મારા પિતાતુલ્ય માર્ગદર્શક અને ભૂતપૂર્વ અધ્યક્ષ અરવિંદભાઈ, સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ, ચેરમેનને શ્રેય આપું છું. એ સાથે પૂજ્ય સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.