• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

રાપર-ભચાઉ પાલિકા માટે દાવેદારોનો રાફડો ફાટયો

ગાંધીધામ, તા. 27 : બે વર્ષ સુધી વહીવટદાર શાસન રહ્યા બાદ રાપર-ભચાઉ નગરપરાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ભાજપ દ્વારા આજે ઉમેદવારોની સેન્સ લેવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન  વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા આદરવામાં આવી હતી. ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ દરમ્યાન બે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ત્રણ બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. બીજી બાજુ કોંગ્રેસે પણ ઉમેદવારો અંગે પ્રક્રિયા હાથ ધરી છે. ભુજ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે આજે સવારથી પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો પૂર્વ સાસંદ જે.સી. ચૌહાણ, પૂર્વ જિલ્લા મંત્રી ભરતસિંહ ભટેસરિયા, પૂર્વ જિલ્લા પ્રભારી રેખાબેન ચૌધરીએ આજે સવારથી બેઠકોનો દોર આરંભ્યો હતો. ત્રણ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાના ટિકિટવાંચ્છુ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રાપર નગરપાલિકાની  28 બેઠક માટે 102, ભચાઉ નગરપાલિકાની 28 બેઠક માટે 125 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ભચાઉમાં નવા ઉપરાંત મહત્તમ ગત ટર્મના સભ્યોએ દાવેદારી કરી હતી, જ્યારે રાપરમાં  નવા લોકોની સંખ્યા વધુ હોવાના અહેવાલો સાંપડયા હતા, જ્યારે ત્રણ તાલુકા પંચાયત બેઠક પૈકી લાકડિયા અને દરશડી માટે પાંચ-પાંચ, જ્યારે ભુજપુર માટે 10 ઉમેદવારે દાવેદારી કરી હતી.  નગરપાલિકાની 56 બેઠક માટે 200થી વધુ દાવેદારી આવ્યા બાદ હવે પ્રદેશમાંથી નામો નક્કી થશે, સંભવત 29 કે 30 તારીખે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાશે. આ વેળાએ રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા આજથી ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી શરૂ કરાઈ હતી. રાપરમાં નગરપાલિકા ખાતે ચૂંટણી અધિકારી સુરેશ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ ઉમેદવારીપત્ર વિતરણની વ્યવસ્થા કરાઈ છે. રાપરમાં કોંગ્રેસ દ્વારા 38 અને આમ આદમી પાર્ટી દ્વારા ચાર ઉમેદવારીપત્ર લેવાયા હતા, આમ પ્રથમ દિવસે 45 ફોર્મનો ઉપાડ થયો હતો. દરમ્યાન ભચાઉમાં કોંગ્રેસમાંથી 45 લોકોએ ઉમેદવારી માટે ઈચ્છા  દર્શાવી હોવાનું શહેર પ્રમુખ મનજી રાઠોડે જણાવી એક પણ બેઠક બિનહરીફ ન થાય તે દિશામાં કામગીરી હાથ ધરી હોવાનું કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd