ભુજ, તા. 9 : કચ્છી ભાષા તથા સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે હેતુથી ગુજરાત સરકાર રમતગમત
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા
સ્મૃતિવન ખાતે ઊજવાયેલા કચ્છ સાહિત્ય ઉત્સવમાં અહીંની મહારાણી પ્રીતિદેવી સ્કૂલ તથા
લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કચ્છજી આત્મકથા શીર્ષક હેઠળ નૃત્યનાટિકા
રજૂ કરી હતી. કચ્છી ભાષામાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી નૃત્યનાટિકામાં કચ્છની બોલી, પશુ-પક્ષીઓ,
સાહિત્ય, સંસ્કૃતિ જળવાયેલી રહે તથા તેને કોઇ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે જવાબદારી
`પાં મિડે કચ્છવાસીજી આય' તેવું જણાવ્યું
હતું. આપણો સમૃદ્ધ વારસો ભવિષ્યની પેઢી માણી શકે તે માટે સંરક્ષણ, પર્યાવરણની જાળવણી,
સ્વચ્છતા માટે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. શાળાના
ફાઉન્ડર આચાર્યા આરતીકુમારી જાડેજાએ છાત્રોઁને અભિનંદન પાઠવી ભાષા, સંસ્કૃતિ, ધરોહરના
સંવર્ધન તથા સંરક્ષણ માટે, પર્યાવરણ સંરક્ષણ માટે શાળા પ્રયત્ન કરશે તેવું કહ્યું હતું.
મહારાવ પ્રાગમલજી કચ્છી ભાષાના હિમાયતી હતા. કચ્છી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે
કરાયેલા તેમના પ્રયત્નોને જીવંત રાખવા મહારાણી પ્રીતિદેવી સ્કૂલ તથા લિટલ સ્ટેપ મોન્ટેસરી
સ્કૂલ અંગ્રેજી માધ્યમની હોવા છતાં ગુજરાતી તથા કચ્છી શીખવાય છે. કચ્છી ભાષા બોલનારા
લોકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે, તે સમયે શાળામાં કચ્છી ભાષામાં અનેક કાર્યક્રમો
થતા રહે છે. કાર્યક્રમમાં જયેન્દ્રસિંહ યાદવ (સેક્રેટરી ઓફ ગુજરાત સાહિત્ય એકેડેમી),
કાશ્મીરા મહેતા (વાઇસ ચાન્સેલર), કાંતિભાઇ ગોર, રવિભાઇ પેથાણી સહિત સાહિત્યકારો ઉપસ્થિત
રહ્યા હતા.