• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ભુજમાં જાહેર રસ્તે માટીનાં કારણે ટ્રાફિકજામ

ભુજ, તા. 8 : શહેરના  જ્યુબિલી મેદાનથી મિરજાપર તરફ જતા રસ્તે જયનગરથી આગળ પેટ્રોલપંપ પાસે છેલ્લા એક વરસથી વધુના સમયથી મહાકાય ખાડો શા માટે ખોદવામાં આવ્યો છે તે કોઇને સમજાતું નથી ! કેમકે દિવસમાં અહીં સતત ટ્રાફિકજામ થાય છે. વાહન-વ્યવહારથી ધમધમતા આ ભુજ-મિરજાપરના રસ્તે મોટો ખાડો મશિનો વડે ખોદવામાં આવ્યો છે, જ્યાં નીચે ગટરની મોટી ચેમ્બર દેખાય છે, પરંતુ ખાડાની માટીના ગંજ અનેક રીતે અડચણ રૂપ બન્યા હોવાનું વાહનચાલકોએ જણાવ્યું હતું. ખાડાની નજીક બરોબર પેટ્રોલપંપ છે અને પેટ્રોલ-ડિઝલ ભરાવવા કે ગેસ માટે વાહનોની કતાર લાગે છે ને બાજુમાં ખાડામાંથી નીકળેલી માટીના ગંજના કારણે ટ્રાફિકજામ થાય છે તેવી ફરિયાદ ઊઠી હતી. છેલ્લા એક વરસથી વધુ સમયથી ખોદકામ થયેલું છે. પણ ક્યા કારણોસર આ કામ થયું છે, તેની કોઇને જાણકારી નથી. જાહેર માર્ગ ઉપર અડચણ થતી હોઈ નગરપાલિકા તંત્રના ધ્યાને જતું નથી તેવું ધંધાર્થીઓએ જણાવ્યું હતું. માટીના ઢગલા પાસેથી એક રસ્તો એન્જિનીયરીંગ કોલેજ તરફ જતો હોવાથી અહીં હોસ્પિટલો આવેલી છે એટલે તાકિદના સમયે ટ્રાફિકજામ હોવાના કારણે મુશ્કેલી થાય છે. દિવસમાં અનેક વખત અહીં ટ્રાફિકજામ થાય છે, છતાં ક્યા કારણોસર કામ પૂરું કરવામાં નથી આવતું એ એક મોટો સવાલ છે. આ અંગે ભુજ સુધરાઇની ગટર શાખાના ઇજનેર મહિપાલસિંહ ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ગટરની જૂની લાઇન છે, જે 30 ફૂટ ઊંડી છે, જેથી કામગીરી કપરી છે. ગટરના પાણી સતત ભરાયેલા રહેતા હોવાથી પાઇપો બદલવાનું કામ અટકે છે. ઉપરાંત કામગીરી માટે મોટી મશિનરીની પણ જરૂર છે. જે થોડા દિવસોમાં ઉપલબ્ધ બન્યે કામગીરી આગળ?ધપશે. એકાદ માસમાં આ કામ પૂર્ણ થાય તેવું શ્રી ઝાલાએ ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd